- એકના ડબલ કરવાની લોભામણી સ્કીમમાં ફસાવી ક્રેડીટ સોસાયટીની ઓફીસ બંધ કરી દેતા રોકાણકારોને રાતા પાણીએ રોવડાવ્યા
શહેરમાં શરાફી મંડળી અને અનેક ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કરનારને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. આમ છતાં વધુ વળતર મેળવવાની લોભામણી લાલચમાં ફસાયેલા જીવન અમૃત કો.ઓ. ક્રેડિટ સોસાયટી 14 જેટલા રોકાણકારોને રૂ. 17.50 લાખ ગુમાવતા કફોડી સ્થિતિમાં મુકાયા છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સંત કબીર રોડ પર આવેલા સંજયનગરમાં રહેતા રોશનબેન અલ્યાસભાઇ સુમરાએ દુધની ડેરી પાસે શ્રમજીવી સોસાયટીમાં રહેતા અને ભાવનગર રોડ પર આર.એમ.સી. પૂર્વ ઝોન ઓફીસ સામે સિલ્વર કોમ્પ્લેકસમાં જીવન અમૃત કો.ઓ. ક્રેડીટ સોસાયટી ધરાવતા વાહિદ અબ્દુલ રાઉમાં સામે રૂ. 17.50 લાખની છેતરપીંડીની થોરાળા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
જીવન ગૃપની જુદી-જુદી સ્કિમો હેઠળ 14 જેટલા રોકાણકારોએ રૂ.17.53 લાખનું રોકાણ પાંચ વર્ષ પહેલા કર્યું હતું. તેઓની મરણ મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે. જીવન ગૃપમાં 2018માં રોશનબેન અલ્યાશભાઇ સુમરાએ રૂ.8.15 લાખ, કંચનબેન મકવાણાએ 2.80 લાખ, વિપુલભાઇ નડીયાપરાએ રૂ.1.68 લાખ, જીગ્નેશભાઇ મેરે રૂ.1.30 લાખ, કરશનભાઇ રાઠોડે 60 હજાર, નિશાબેન માવજીભાઇએ 60 હજાર, રમેશભાઇ પાંચાભાઇએ 60 હજાર, મનસુખભાઇ મકવાણાએ 36 હજાર, નરશીભાઇ જાદવે રૂ.33 હજાર, મગનભાઇ સોરાણીએ 18 હજાર, રાયધનભાઇ મકવાણાએ 18 હજાર, કમરૂદીનભાઇ રાજાણીએ 14 હજાર, શૈલેષભાઇ મકવાણાએ 12 હજાર અને જાદવભાઇ મકવાણાએ 50 હજારનું જીવન અમૃત કો.ઓ.ક્રેડીટ સોસાયટીમાં રોકાણ કર્યું હતું. તમામ રોકાણકારોને ક્રેડીટ સોસાયટીના સંચાલક વાહિદ અબ્દુલ રાઉમાએ એક વર્ષમાં ડબલ કરવાની લોભામણી લાલચ આપી હતી. 2018 બાદ ક્રેડીટ સોસાયટી બંધ કરી વાહિદ રાઉમાએ એકપણ રોકાણકારને એકપણ ફદીયુ ન ચુકવી રૂ.17.50 લાખની છેતરપીંડી કર્યાની થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પીએસઆઇ એન.બી.ડાંગરે ક્રેડીટ સોસાયટીના સંચાલક વાહિદ રાઉમા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.