હયાત ફીમાં વધારો કરવા માંગતા હોય તો એફ.આર.સી. સમક્ષ ફી નિર્ધારણમાંથી પણ મુકિત
પ્રોફેશનલ અભ્યાસક્રમો જેવા કે, એમ.બી.એ., એમ.સી.એ., એન્જીનિયરીંગ, આર્કિટેક અને ફાર્મસીમાં પ્રવેશ માટે મેનેજમેન્ટ કવોટાની હાલની રપ ટકા બેઠકોની મર્યાદા વધારીને પ૦ ટકા કરવામાં આવી છે. રાજયની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ખાનગી યુનિવર્સિટીઓ ત્રણ વર્ષના ફી-બ્લોકમાં હયાત ફીમાં એકવાર પાંચ ટકાની મર્યાદામાં વધારો કરવા માંગતા હોય તો આવી સંસ્થાઓ એફ.આર.સી. સમક્ષ ફી નિર્ધારણ માટે આવવાનું રહેશે નહિં.
આ ઉપરાંત ખાનગી સંસ્થાઓ – ખાનગી યુનિવર્સિટીઓ સામે ફરીયાદ બદલ પ્રવેશ ફી નિર્ધારણ અંગે હાલની કાયદાકીય જોગવાઇઓ અને તે અંગેના નિયમોમાં ભંગ બદલ હાલની રૂ.૨૦ લાખના દંડની જોગવાઇને વધારીને રૂ.૫૦ લાખ સુધી કરવામાં આવી છે તેમ, વિધાનસભા ગૃહમાં ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ રજૂ કરતાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
મંત્રીએ આ સુધારા વિધેયક અંગે જણાવ્યું હતું કે, સરકારી અને અનુદાનિત સંસ્થાની તમામ એટલે કે ૧૦૦ ટકા બેઠકો સરકારી બેઠકો તરીકેની જોગવાઈ છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. જ્યારે, મેનેજમેન્ટ ક્વોટાની બેઠકોની સંખ્યા માટે હાલ ૨૫ ટકાથી જોગવાઈ વધારીને ૫૦ ટકા કરવામાં આવી છે. જેમાં, સ્વનિર્ભર સંસ્થાઓ/ પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં પ્રથમવાર ૧૫% એનઆરઆઈ બેઠકો સહિત ઓલ ઈન્ડિયાનાં ધોરણે ગુજરાત સહિતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓનો અને વિદેશી વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં લાયકાત ધરાવતાં વિધાર્થીઓની સામે ઉપલબ્ધ બેઠકોની સંખ્યા વધારે છે. ડિગ્રી ઈજનેરીમાં અંદાજે ૭૩ હજાર બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે ગુજરાતમાં દર વર્ષે ધો. ૧૨ વિજ્ઞાનપ્રવાહની એ-ગ્રુપની પરીક્ષામાં સરેરાશ ૪૦ હજાર વિદ્યાર્થીઓ પાસ થાય છે, આમ, કુલ બેઠકોનાં લગભગ ૫૦ ટકા બેઠકો પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે અગાઉથી જ ખાલી રહે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
મંત્રી આ સુધારાના હકારાત્મક પરિણામો અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, રાજયમાં પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં સ્વનિર્ભર સંસ્થાઓની હાલની મેનેજમેન્ટ કવોટાની ૨૫ ટકા બેઠકો ભરવાની જોગવાઇ છે તેમ છતાં ખાનગી સંસ્થાઓમાં અંદાજે સરેરાશ ૫૦ ટકા જેટલી બેઠકો છેલ્લા થોડા વર્ષોથી ભરાયેલ નથી. જેના પરિણામે મેનેજમેન્ટ કવોટાની બેઠકોની હાલની જોગવાઇ ૨૫ ટકા છે તે વધારીને ૫૦ ટકા કરવાથી સ્વનિર્ભર સંસ્થાઓ, ખાનગી યુનિવર્સિટીમાં પ્રથમ રાઉન્ડથી જ એન.આર.આઇ. તેમજ ગુજરાત બહારના વિધાર્થીઓ મેનેજમેન્ટ કવોટામાં અરજી કરી શકશે. આ સંખ્યા વધવાથી વધુ સંખ્યામાં આ ખાલી રહેતી બેઠકો ભરી શકાશે.
મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ/સ્વ-નિર્ભર સંસ્થાઓ જો ત્રણ વર્ષે એક વાર ૫ ટકાની મર્યાદામાં જ વધારો કરવા માંગતા હોય અથવા ન માંગતા હોય તો તેઓએ ફી નિર્ધારણ માટે ફી નિયમન સમિતિ એફઆરસી સમક્ષ ઉપસ્થિત થવું પડશે નહી. જેથી સંસ્થાઓ અને એફઆરસી બંન્નેને વહીવટી સરળતા થશે. આ માટે સંબંધિત સંસ્થાઓએ નિયત કરાયેલ એફિડેવીટમાં “ડીકલેરેશન કમ અન્ડરટેકીંગ રજૂ કરવાનું રહેશે. વ્યાવસાયિક અભ્યાસક્રમોમાં કરવામાં આવેલા મહત્વના સુધારાથી હવે રાજયના વિધાર્થીઓને સરળતાથી વિવિધ સંસ્થાઓમાં પ્રવેશ મેળવીને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે પોતાની કારર્કિદી બનાવી શકશે તેમ, તેમણે ઉમેર્યું હતું.
ગુજરાત વ્યાવસાયિક ટેકનિકલ શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ -પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિધેયક-૨૦૧૯ વિધાનસભા ગૃહમાં બહુમતિથી પસાર કરવામાં આવ્યું હતું.