રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં ફી વિકલ્પ લેનારી શાળાઓની ફીમાં વધારો કરવા માટે સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે. સંચાલક મંડળ દ્વારા 7 વર્ષથી ફી વધારો કરવામાં આવ્યો ન હોવાથી ફીમાં ચાર ગણો વધારો કરવા માગ કરવામાં આવી છે. જે મુજબ હાલમાં ધોરણ-12માં માસિક જે રૂ. 95 ફી લેવામાં આવે છે તેના બદલે રૂ. 400 ફી વસૂલવા ભલામણ કરવામાં આવી છે. જ્યારે પ્રયોગશાળાની માસિક ફી રૂ. 80 છે તેના બદલે સત્ર દીઠ રૂ. 600 ફી વસૂલવા માટે રજૂઆત કરવામાં આવી છે. દર વર્ષે થતાં ફી વધારાના પગલે 7 વર્ષથી ફીમાં વધારો થયો ન હોવાથી આ વધારો આપવા માગ કરી છે.
સંચાલક મંડળ દ્વારા 7 વર્ષથી ફી વધારો કરવામાં આવ્યો ન હોવાથી ફીમાં ચાર ગણો વધારો કરવા માગ: ધોરણ-12માં માસિક જે રૂ. 95 ફી લેવામાં આવે છે તેના બદલે રૂ. 400 ફી વસૂલવા ભલામણ
રાજ્ય શાળા સંચાલક મહામંડળનાં જિલ્લા ઘટક મંડળો તરફથી લેખિત અને મૌખિક રજૂઆતો મળી હતી. જેના પગલે સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે આ અંગે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, બ્રિટિશ સમયથી મુંબઈ રાજ્યમાં ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને ગ્રાન્ટ-ઈન-એઈડ કોડ હેઠળ વાર્ષિક નાણાકીય સહાય આપવામાં આવતી હતી.
આઝાદી પછી પણ મુંબઈ રાજ્ય હેઠળ ચાલતી શૈક્ષણિક સંસ્થાઓને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની યોજના ચાલુ રહી હતી.રાજ્ય સરકારે નિભાવ ગ્રાન્ટમાંથી પોતાનો ફાળો ઓછો કરવા માટે નિભાવ ગ્રાન્ટની સામે રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓને નિભાવ ગ્રાન્ટ જતી કરીને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલીને શાળાની નિભાવ કરવાની યોજના અમલમાં મૂકી હતી. આમ, ફી વિકલ્પોવાળી શાળાઓ અસ્તિત્વમાં આવી અને છેલ્લા ઠરાવ મુજબ નિભાવની સામે ધોરણ પ્રમાણે ફી લેવાનું ઠરાવવામાં આવેલું હતું.
રાજ્યની ગ્રાન્ટેડ શાળામાં નિભાવ ગ્રાન્ટનાં સ્લેબ સુધારવાની સાથે સાથે રાજ્યમાં ચાલતી ફી વિકલ્પવાળી ગ્રાન્ટેડ શાળાઓની ફીમાં પણ વધારો કરવાની જરૂરિયાત છે. 14 જુલાઈ, 2017ના ઠરાવ બાદ 7 વર્ષ જેટલો સમય થયો છે ત્યારે 7 ટકા ફી વધારો ગણવામાં આવે તો વર્તમાન ફીમાં અંદાજે 50 ટકા ફી વધારો મળવાપાત્ર થાય છે. જેથી નિભાવ ગ્રાન્ટના સ્લેબમાં અને ફી વિકલ્પોવાળી શાળાઓની ફીના સ્લેબમાં સુધારો કરવા સંચાલક મંડળ દ્વારા ભલામણ કરવામાં આવી છે.