ફેસબૂક પર સૌથી વધુ જે બટનનો ઉપયોગ થતો હોય તો એ છે લાઈકનું બટન. ફોટો કે વિડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવા અને આપણી પોસ્ટ પર કેટલા લોકોને પસંદ આવી એ જાણવા માટે એફબી લાઈકનો ઉપયોગ થાય છે.હવે ભલે તેમાં ઘણા ફીચર આપવામાં આવ્યા હોય પરંતુ હજુ લોકો આ ઓપ્શનનો સૌથી વઘુ ઉપયોગ કરે છે. પરંતુ ફેસબૂક પર લાઈકનું બટન બનાવનાર ઇંજિનિયર જસ્ટિન રોસેસટીને જ આ એપ ડિલીટ કરતાં કહ્યું હતું કે ફેસબૂક એક નશાની જેમ છે.
એક વેબસાઇટ પ્રમાણે જસ્ટિન રોસેસટીને ફેસબૂક અને તેમાં લાઈક કરવાની આદતનો નશો થવા લાગ્યો હતો,જે તેમના દિમાગ પર હાવી થઈ રહ્યું હતું. લાઈકનું બટન આપનાર જસ્ટીને કહ્યું કે આમ તો દરેક વ્યક્તિ કોઈ પણ વસ્તુ એટલા માટે બનાવે છે કે તેનો ઉપયોગ સારા કામ માટે થાય પરંતુ તે વસ્તુ નકારાત્મક પરિણામ આપી જ જાય છે. તેમણે કહ્યું કે લાઈક પામવાનું એડિક્શન લોકોના મગજમાં હાવી થવા લાગ્યું છે.
જાણવામાં આવ્યું છે કે જસ્ટીને માત્ર ફેસબૂક એપ જ ડિલીટ નથી કરી પરંતુ રેડિટ અને સ્નેપચેટ પણ બ્લોક કરી દીધું છે.તેમણે પોતાનો ફોન બદલીને આઈ-ફોન લઈ લીધો છે. એટલું જ નહીં તેમણે પોતાના આસિસ્ટેટને નિર્દેશન આપ્યું છે કે તેમના મોબાઈલ પર એપ ડાઉનલોડ પણ બ્લોક કરવામાં આવે.
એક સર્વે પ્રમાણે એવું સામે આવ્યું છે કે સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનાર લોકો જલ્દી ડિપ્રેશનનો શિકાર બને છે. ત્યારે સોશિયલ મીડિયા પર ઓછા એક્ટિવ રહેનાર લોકો ડિપ્રેશનનો શિકાર જલ્દી બનતા નથી.આ સર્વેમાં ઇન્સ્ટાગ્રામ સૌથી વઘુ ખતરનાક માનવમાં આવે છે. યુવાઓની માનસિક સ્વાસ્થ્ય માટે સૌથી વઘુ હાનિકારક છે.