‘દુશ્મન કા દુશ્મન દોસ્ત’ જેવો રાજકીય ઘાટ
આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠ્ઠબંધન ન થાય તો હાર્દિક-જીજ્ઞેશને સાધીને ગુજરાતમાં ત્રીજો મોરચો બનાવવાની મમતાની પેરવી
ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપને મહાત આપવા કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી મહાગઠબંધન કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. તાજેતરમાં હિન્દીપટ્ટાના ત્રણ મહત્વના રાજયોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પછડાટ આપી હતી. જેથી વિપક્ષી મહાગઠબંધનમાં કોંગ્રેસની ભૂમિકા મોટાભાઈ તરીકે આવી જવાની સંભાવના સેવાય રહી છે. જેથી મમતા, કેસીઆર, માયાવતી, અખીલેશ સહિતના વિપક્ષી નેતાઓ કોંગ્રેસના વધતા કદથી પોતે દબાય જવાની આશંકા સેવતા હોય ભાજપ અને કોંગ્રેસ સહિત ત્રીજો મોરચો બનાવવાની તૈયારી આદરી દીધી છે.
ગઈકાલે કોલકતામાં તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનરજીએ વિપક્ષી મહાગઠ્ઠબંધનની તાકાત દેખાડવા, એક વિશાળ જાહેરસભાનું આયોજન કર્યું હતુ. જેમાં કોંગ્રેસ, સપા, બસપા, રાજદ, તેલુગુદેશમ, આપ, જેડીએસ સહિતના તમામ નાના મોટા વિપક્ષી પાર્ટીઓનાં નેતાઓ ઉપસ્થિત રહીને સંયુકત લડાઈ આપીને આગામી ચૂંટણીમાં મોદી સરકારને હટાવવા હાકલ કરી હતી. તેમાં દુશ્મન કા દુશ્મન દોસ્ત ગુજરાતનો ભાગરૂપે ભાજપ સરકાર સામેના બે આંદોલનકારી નેતાઓ પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ અને દલિત ચળવળ આંદોલનના આગેવાન અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ આ બંને નેતાઓએ પણ મોદી સરકાર પર સમાજમાં ભેદભાવની નીતિ અપનાવીને અન્યાય કરવાનો આક્ષેપ કર્યો હતો.
આ જાહેરસભા બાદ ભોજન સમયે મમતાદીદીએ આ બંને આંદોલનકારી નેતાઓને જાતે જાણીતી બંગાળી મીઠાઈ ‘સંદેશ’ ખવડાવી આ નેતાઓને મીઠાઈ ખવડાવીને મમતાએ એક નવો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે. તેવો મત રાજકીય વિશ્ર્લેષકોએ વ્યકત કર્યો છે. મમતા તેલંગાણાના કેસીઆરની મદદથી ભાજપ અને કોંગ્રેસ રહિત વિપક્ષોને ત્રીજો મોરચો બનાવીને વડાપ્રધાન પદ પામવાની મહેચ્છા ધરાવે છે. જેથી, તેમને હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણી સાથે આતમ્યતાપૂર્વકના સંબંધો બાંધવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આ પ્રયાસો કર્યા છે. જો આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથેનું વિપક્ષી મહાગઠ્ઠબંધન ન થાય તો હાર્દિક અને જીજ્ઞેશને સાધીને પોતાનો ગુજરાતમાં પગપેસારો કરવા મમતાએ તૈયારી કરી લીધી છે.
જેથી, વિપક્ષી મંહાગઠ્ઠબંધનની જાહેરસભામાં કોંગ્રેસની હાજરી છતા મમતાએ પોતાની મહેચ્છા આ સંદેશ દ્વારા દર્શાવી દીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના સંબંધો હવે પહેલા જેવા ઉષ્માપૂર્ણ રહ્યા નથી જેથી તેઓ સમયાંતરે કોંગ્રેસ વિરધ્ધ પોતાનો આક્રોશ નાના પાયે ઠાલવતાક રહે છે. જયારે અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી દલિત ચળવળના આંદોલન દ્વારા કોંગ્રેસના ટેકાથી ચૂંટાયેલા છે. તેઓ ભારે મહત્વાકાંક્ષી હોય તેમને પણ દલિતોના હિતના મુદે પોતાની તરફે કરી શકાય છે જે મમતા દીદી સારી રીતે જાણતા હોય તેમને આ બંને નેતાઓને જાતે ‘સંદેશ’ મીઠાઈ ખવડાવીને ગુજરાતમાં નવા રાજકીય ગઠ્ઠબંધનનો ‘સંદેશ’ આપવાનો પ્રયાસ કર્યો હતો.