મામલતદાર સોલંકીના સપાટાથી ખનીજચોરોમાં ફફડાટ
ઉપલેટા તાલુકાના નાગવદર ગામે સ્થાનિક શખ્સો દ્વારા ખાણ ખનીજ ખાતાની મીલી ભગતથી બેફામ ખનીજ ચોરી કરાઈ રહી છે તેવી બાતમી મામલતદાર સોલંકીને મળતા ૫૦૦ ટન રેતી સીઝ કરી ખાણ ખનીજ ખાતાને જાણ કરાઈ છે.
નાગવદર ગામે માથાભારે શખ્સો દ્વારા ખાણ ખનીજ ખાતા અને પોલીસને હપ્તા આપી દરરોજ લાખો રૂપિયાની વેણુ નદીમાંથી ખનીજ ચોરી કરવામાં આવે છે. આ ખનીજ ચોરોને ડામવા મામલતદાર દ્વારા વારંવાર એકિગ કરવામાં આવે છે ત્યારે ગઈકાલે મામલતદારને મળેલી ચોકકસ બાતમીને આધારે સ્થળ પર જઈ નદીમાં કાંઠા વિસ્તારના ખરાબાની જગ્યામાં પડેલી ૫૦૦ ટન જેટલી રેતીને સીઝ કરી ગ્રામ પંચાયતને સોંપી દીધેલ હતી. આ ખનીજ ચોરીની જાણ ખાણ ખનીજ ખાતાને પણ કરવામાં આવી છે.
ગામમાં ચર્ચાની વિગતો મુજબ ખનીજ ચોરો અને ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ પોલીસના માણસોના સહકારથી આ ચોરી ફુલીફાલી થઈ રહી છે. દર મહિને લાખો રૂપિયાના હપ્તા અપાઈ રહ્યા છે. ઘણી વખત ખનીજચોરો સાથે ખનીજ ખાતાના અધિકારીઓ, પોલીસ સ્ટાફની વાડીઓમાં પ્રોગ્રામની મીટીંગો પણ યોજાય છે ત્યારે ગઈકાલે ૫૦૦ ટન જેટલી ગેરકાયદેસર રેતી મામલતદાર ઝડપી લીધી છે. આ રેતી બિનવારસી મળી આવેલ છે પણ જો પોલીસ અને ખાણ ખનીજ ખાતું ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો અગાઉ ખનીજ ચોરીમાં ઝડપાયેલા શખ્સોના નામ પણ ખુલ્લે તેમ છે પણ યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.
ખનીજચોરો રજાના દિવસો અને મોટેભાગે બપોર બાદ મોડીરાત્રે વેણુ નદીમાં જેસીબી લઈ ટ્રેકટરો મારફત રેતી ખરાબાવાળી જમીનમાં ઢગલા કરી દયે છે ત્યારબાદ રાત્રે ટ્રકોવાળા આવી ભરી જાય છે. જો ખનીજ ચોરોને ઝડપવા હોય તો પોલીસે રાત્રે રોડ ઉપર જતા રેતીના ટ્રકોને ઝડપી લ્યે તો ખનીજ ચોરોના નામ આપો આપ મળી આવે.