- 29 સિલિન્ડરો મળી કુલ રૂા.73,500નો મુદ્ામાલ કબ્જે
- અરણી ગામે છેલ્લા 6 માસથી પાનની દુકાનમાં વેંચાણ થતું હોવાનું આવ્યુ સામે
- ચિત્રાવડની પ્રણવ ગેસ એજન્સી સિલિન્ડર સપ્લાય કરતી હોવાનો ઘટસ્ફોટ
ઉપલેટા તાલુકાના ભાયાવદર તથા અરણી ગામે લોકોના જીવના જોખમ સામે જીવતા બોમ્બ સમાન ગેસના સિલિન્ડરનું ગેરકાયદેસર વેચાણ થઇ રહ્યુ છે તેવી બાતમી મામલતદાર મહાવદિયાને મળતા તેઓ પૂરવઠાની ટીમ સાથે ત્રાટકતા અરણી ગામે 16 ખાલી બોટલ તેમજ 9 ભરેલા બોટલો જ્યારે ભાયાવદરમાં પાંચ ભરેલી બોટલો કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ હતી.
પ્રાપ્ત થતી વિગતો મુજબ તાલુકાના હોળીધાર વિસ્તારમાં આવેલ વડવાળા ઓટો પાર્ટના ધંધાની આડમાં જીવતા બોમ્બ સમાન ગેસના બોટલો ભરેલ, 5 બોટલો મળી આવી હતી. જ્યારે બીજા બનાવમાં અરણી ગામે બાપા સીતારામ પાનની દુકાનમાં ગેરકાયદેસર ગેસના સિલિન્ડર વેંચાતા હોવાથી મામલતદાર મહાવદિયાએ તપાસ કરતા ભરેલ ગેસની બોટલ આઠ તેમજ ખાલી 16 બોટલ મળી આવતા મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા. ગેરકાયદેસર નાના-ગામડાઓમાં જીવતા બોમ્બ સમાન ગેસ સિલિન્ડરનું ગેરકાયદેસર વેચાણ કરતા અરણી ગામના શાંતિલાલ જેઠાભાઇ સભાયા તેમજ ભાયાવદર ગામના વિક્રમભાઇ નાથાભાઇ બંને શખ્સો વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી. જ્યારે ટીબડી ગામે પણ બાપાસીતારામની મઢુલી પાસે ગેરકાયદેસર સિલિન્ડરના વેચાણનો વેપલો ચાલતો હતોને થોડાક સમય પહેલા બંધ કરી દીધો હોવાનું જાણવા મળેલ છે. મામલતદાર ગોવિંદજી મહાવદિયા દ્વારા બે દરોડામાં ગેસની ભરેલા 13 બોટલો તેમજ આઠ બોટલ ખાલી મળી આવી હતી. કુલ મુદ્ામાલ રૂ.73,550નો જપ્ત કરી બે શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
ગ્રામ્ય વિસ્તારના લોકોના જીવ જોખમમાં મૂકી આવા શખ્સો પૈસાની લાલચે જીવતા બોમ્બ સમાન આવા ગેસના સિલિન્ડર વેચાણ કરતા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આવા શખ્સો સામે પી.બી.એમ.નું શસ્ત્ર ઉગામવું જોઇએ. જેથી કરીને આવનારા દિવસોમાં લોકોની જીંદગી સામે આવા અન અધિકૃત વેચાણ કરતા સો વાર વિચાર કરે. આ કામગીરીમાં મામલતદાર ગોવિંદજી મહાવદિયા, પૂરવઠાના નાયબ મામલતદાર શક્તિસિંહ ગોહિલ, ક્લાર્ક સમત પટેલ, તલાટી રાજુભાઇ વસાવા, એમ.ડી.જાડેજા, સર્કલ ઓફીસર રામભાઇ કંડોરીયા જોડાયા હતા.