- બોક્સ ક્રિકેટ, એક હોટેલ, 3 પાનના ગલ્લા, 5 ચાની કેબિન, 3 સિઝન સ્ટોર, પંચરની દુકાન સહિત 15 જેટલા દબાણો હટાવીને અંદાજે 50 કરોડ જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાવાય
અબતક, રાજકોટ : મોરબી રોડ ઉપર જુના જકાતનાકા પાસે બાસીડા કુટુંબની ટોચ મર્યાદામાં ફાજલ થયેલ જમીનમાંથી મામલતદાર દ્વારા અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું છે. અંદાજે 50 કરોડની બજાર કિંમતની આ જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જો કે જગ્યા કોણે ભાડે આપી હતી ? કોની મીઠી નજર હેઠળ આ જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ ખડકાયું ? તે દિશામાં પણ તપાસ જરૂરી હોવાનું જણાય રહ્યું છે.
મોરબી રોડ ઉપર જુના જકાત નાકા પાસે આવેલ યુએલસી ફાજલ સર્વે નંબર 53 પૈકી બે પૈકી ત્રણની 22,561 ચોરસ મીટરમાં કોમર્શિયલ દબાણ ઉપર પૂર્વ મામલતદારની ટીમે આજે ડીમોલીશન હાથ ધર્યું હતું. એક હોટલ, ત્રણ પાનના ગલ્લા, પાંચ ચાની કેબીન, ત્રણ સિઝનલ સ્ટોર, એક સર્વિસ સ્ટેશન, એક પંચરની દુકાન, એક બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ મળી કુલ 15 જેટલા દબાણો ઉપર મામલતદાર ટિમ દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
આ જગ્યાની અત્યારે બજાર કિંમત રૂ.50 કરોડ જેવી થાય છે. પોલીસ, આરએમસી, પીજીવીસીએલના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. દબાણ હટાવવામાં પૂર્વ મામલતદાર એસ.જે ચાવડા, તલાટી મંત્રી ધારા વ્યાસ, સર્કલ ઓફિસર સત્યમ શેરસીયા, નાયબ મામલતદાર સરફરાજ મલેક હાજર રહ્યા હતા. આ જમીનના મૂળ માલિક બાસિડા કુંટુંબ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ જમીન ઉપર જે દબાણો ખડકાયેલા હતા. તેના કોઈ શખ્સો દ્વારા ભાડા પણ ઉઘરાવવામાં આવતા હતા. જો કે મામલતદાર તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.
ઉપલાકાંઠાનું ટીપી વિભાગનું વધુ એક ભોપાળું છતું થયું
સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં ડિમોલિશન કરવામાં આવ્યું હતું તે જગ્યાએ ટીપી આવી એને પણ 15 થી 17 વર્ષ થઈ ગયા છે. ટીપી સ્કીમમાં અનિઅધિકૃત બાંધકામ થયું છતાં ટીપી વિભાગે તેમાં કેમ ધ્યાન ન દીધું તેવો પણ સોમણનો સવાલ ઉદભવી રહ્યો છે. આમ તો ટીપી વિભાગ ગેરકાયદે ઈંટ મુકાય તો પણ સતર્ક થઈ જતી હતી. પણ અહીં આટલા મોટા ગેરકાયદે બાંધકામ ખડકાઈ ગયા છતાં ટીપી વિભાગે મોઢું એમનમ તો સીવી લીધું નહિ હોય તે પણ વિચારવા જેવી બાબત છે.
જગ્યા કોણે ભાડે આપી હતી ? કોની મીઠી નજર હેઠળ આ જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ ખડકાયું ? તે દિશામાં પણ તપાસ જરૂરી