ગીતાનગર વિસ્તાર નજીક અનઅધિકૃત રીતે કરાયેલા બાંધકામ અને ઝુંપડા તોડી પાડી ૩ એકર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવાઈ: ડિમોલીશન વેળાએ તાલુકા પંચાયતની ટીમની સુચક ગેરહાજરી
પડધરીમાં ગામ તળની અત્યંત કિંમતી સરકારી જમીન ઉપર કરાયેલા બાંધકામો અને ઝુંપડા તોડી પાડવાની મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂા.દોઢ કરોડની કિંમતની ૩ એકર જેટલી જમીન પરી દબાણ હટાવી ખુલ્લી કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહી વેળાએ તાલુકા પંચાયતની ટીમની સુચક ગેરહાજરી પણ જોવા મળી હતી.
પડધરી તાલુકા મામલતદાર બી.એન.વિરોજા અને તેમની ટીમ દ્વારા આજે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગામતળની સર્વે નં.૧૬૭ પૈકીની ગીતાનગર વિસ્તાર પાસેની ૩ એકર જેટલી જમીન ઉપર ડિમોલીશન હાથ ધરીને અનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામો તેમજ ઝુંપડાઓ તોડી પાડવામાં આવ્યા હતા. આ જમીનની બજાર કિંમત અંદાજે રૂા.૧.૫૦ કરોડ જેટલી આંકવામાં આવી રહી છે. આ કિંમતી જમીન ઉપર મામલતદારની ટીમ દ્વારા દબાણ હટાવીને તેને ખુલ્લી કરાવવામાં આવી હતી. આ વેળાએ પોલીસની ટીમ તેમજ ડીઆઈએલઆરની ટીમની પણ હાજરી રહી હતી. જો કે, આ વેળાએ તાલુકા પંચાયતની ટીમ ફરકી ન હોય ગ્રામજનોમાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.