મેઘાલયમાં 12 ધારાસભ્યો કોંગ્રેસને અલવિદા કહી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા

પૂર્વોત્તર રાજ્ય મેઘાલયમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ફટકો પડયો છે. આ ફટકો તેને મમતાએ આપ્યો છે.મેઘાલયમાં કોંગ્રેસના 12 ધારાસભ્યો હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. જેમાં મેઘાલયના પૂર્વ મુખ્યપ્રધાન મુકુલ સંગમા  સહીતના ધારાસભ્યોએ કોંગ્રેસને રામરામ કરીને તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.મેઘાલયના પૂર્વ મુખ્યમંત્રી મુકુલ સંગમાને કોંગ્રેસ પાર્ટીના મેઘાલયમાં દિગ્ગજ નેતા માનવામાં આવે છે. છેલ્લા કેટલાક દિવસોથી કોંગ્રેસમાંથી નેતાઓનો ટીએમસીમાં જોડાઈ જવાનો સિલસિલો ચાલુ છે. આના એક દિવસ પહેલા જ કીર્તિ આઝાદ  અને અશોક તંવર પણ કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા હતા.

શિલોંગમાં એક અધિકારીના જણાવ્યા અનુસાર, કોંગ્રેસથી અલગ થઈને તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થયેલા ધારાસભ્યોના જૂથે, ટીએમસીના ધારાસભ્યોની યાદી સ્પીકર એમ લિંગદોહને સુપરત કરી છે અને સ્પીકર એમ લિંગદોહને તેમના નિર્ણય વિશે જાણ કરી છે.મેઘાલયમાં કોંગ્રેસ પાસે કુલ ધારાસભ્યોમાંથી 12 ધારાસભ્યો ટીએમસીમાં ગયા પછી, ટીએમસી હવે ચૂંટણી લડ્યા વિના મેઘાલયમાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.

કોંગ્રેસ માટે આ મોટો રાજકીય આંચકો છે. પક્ષપલટા વિરોધી કાયદો આ તમામ ધારાસભ્યોને પણ લાગુ નહીં પડે, કારણ કે પાર્ટીના બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યો એકસાથે ટીએમસીમાં જોડાયા છે. કોંગ્રેસ છોડીને ટીએમસીમાં જોડાયા અંગે મુકુલ સંગમા આજે બપોરે પ્રેસ કોન્ફરન્સ યોજીને ઔપચારિક જાહેરાત કરી શકે છે, જેઓ થોડા દિવસો પહેલા કોંગ્રેસ સમિતિના પ્રદેશ અધ્યક્ષ તરીકે વિન્સેન્ટ એચ. પાલાની નિમણૂકથી નારાજ હતા.

મેઘાલય વિધાનસભામાં કુલ 60 બેઠકો છે અને 2018ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી. જ્યારે એનપીપી એટલે કે નેશનલ પીપલ્સ પાર્ટીને 20 બેઠકો મળી હતી. યુડીએફને 6, અપક્ષોને 3 અને ભાજપને 2 બેઠકો મળી હતી. બાદમાં એનપીપીએ સરકાર બનાવી જેને ભાજપ દ્વારા ટેકો મળ્યો હતો અને ભાજપ પણ સરકારમાં જોડાઈ છે.

મોદી અને મમતાનું મિલન: અંદરખાને એક થવાનું આહવાન?

તૃણમુલ કોંગ્રેસની સુપ્રીમો અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીમાંવડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા તેમના ઘરે પહોંચ્યા હતા. છે. આ અગાઉ મમતા ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીને પણ મળ્યા હતા. વડાપ્રધાન સાથે આ મુલાકાતમાં મમતાએ રાજ્યના વિકાસના વિવિધ મુદ્દા ઉપરાંત બીએસએફના અધિકાર ક્ષેત્રને વધારવા અને ત્રિપુરામાં હિંસાની ઘટના અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ પૂર્વોતરમાં મમતાનું જોર જે પ્રમાણે રહ્યું છે. મોદીએ તેની સામે ભીડવાની બદલે એક થઈને કામ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. એટલે આ બન્નેની મુલાકાત શુ અંદરખાને એક થવાનું આહવાન હતું એવો પ્રશ્ન ઉઠ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.