લોકસભા ચૂંટણીમાં તૃણમુલ કોંગ્રેસનો સફાયો થવાનો છે: વિજય રૂપાણી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પશ્ચિમ બંગાળમાં આ વખતની ચૂંટણીઓમાં મમતા બેનરજી અને તૃણમૂલ કોંગ્રેસનો સફાયો થવાનો છે તેમ સાફ શબ્દોમાં જણાવ્યું છે. તેમણે વડોદરામાં જણાવ્યું કે, મમતા બેનરજીના પગ નીચેથી ધરતી સરકી રહી છે. લોકસભા ચૂંટણીમાં તેમની પાર્ટીનો પરાજય નિશ્ચિત છે. મમતા બેનરજી એટલા માટે જ લોકશાહીને કલંકીત કરી રહ્યા છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, આખા દેશમાં લોકસભાની ચૂંટણીઓ શાંતિથી યોજાઇ પણ એક માત્ર પશ્ચિમ બંગાળમાં જ તોફાનો હિંસાની ઘટનાઓ થઇ છે. મમતા બેનરજી ધમકીની ભાષા, ચૂંટણીમાં હિંસા અને સત્તાનો દુરૂપયોગ કરીને દાદાગીરી સાથે દીદીગીરી કરી રહ્યા છે એમ આલોચના કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ભારત અને પશ્ચિમ બંગાળની જનતા જનાર્દન મમતા બેનરજીની આ દાદાગીરી ચલાવી લેશે નહિ અને ચૂંટણી પરિણામોમાં જવાબ આપી જ દેવાની છે.
રાજ્યનાં ખેડૂતો નકલી બિયારણથી છેતરાશે નહીં: મૂખ્યમંત્રીની ખાતરી
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં ખાતરના કોઇ કૌભાંડ થયા જ નથી. રાજ્યના ખેડૂતો નકલી બિયારણથી છેતરાય નહિ તે માટે રાજ્ય સરકાર સતર્ક રહી આવા નકલી બિયારણો હલકી ગુણવત્તાના બિયારણો વેચનારાઓ પર દરોડા પાડીને તેમને કડક સજા કરે છે.
વિજયભાઇ રૂપાણીએ વડોદરામાં પ્રચાર માધ્યમોના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતાં આમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકાર પોતે જ ખાતર અને ખેડૂતોના પ્રશ્ને સતર્ક અને સજાગ છે. ખેડૂતો નકલી બિયારણથી ભવિષ્યમાં પણ છેતરાય નહિ એનો પાક નિષ્ફળ ન જાય એ માટે રાજ્ય સરકાર પોતે આવા નકલી બિયારણો વાળા લોકોને ખૂલ્લા પાડવાની કામગીરી સતત કરતી જ રહે છે.