પશ્ર્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપની પ્રચંડ રાજકીય અને સરકારી તાકાત સામે લડીને ટીએમસીને સત્તા સ્થાને દોરી જવામાં સફળ થયેલા પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો વિધાનસભાની ચૂંટણીમાં નંદીગ્રામ બેઠક પરથી પરાજય થયો હતો. આ પરાજય બંગાળની વાઘણ સહન કરી શકી નથી. જેના કારણે નંદીગ્રામના પરિણામને મમતાએ હાઈકોર્ટમાં પડકાર્યો છે.
શું બંગાળની વાઘણને પરાજય પચતો નથી ?
કટ્ટર હરીફ સુવેન્દુ અધિકારીનો વિજય થયો હતો
માત્ર એક બેઠક પરથી ચૂંટણી લડેલા મમતાનો તેમના એક સમયના સાથે અને બાદમાં બળવાખોર બનીને હરિફ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા સુવેન્દુ અધિકારી સામે પરાજય થયો હતો. નંદીગ્રામનું પરિણામ મમતાએ હવે હાઈકોર્ટમાં પડકાર્યું છે. જસ્ટીસ કૌશિકચંદ્રની બેંચ સમક્ષ મમતાની અરજી પર સુનાવણી થશે.
નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક તબક્કે મમતા પર હુમલો પણ થયો હતો. આ મામલાએ સમગ્ર ભારતમાં ભારે ચર્ચા જગાવી હતી. વ્હીલચેરમાં બેસીને મમતાએ છેલ્લા તબક્કા માટે ચૂંટણી પ્રચાર પણ ચાલુ રાખ્યો હતો પરંતુ આકરા ચૂંટણી જંગમાં મમતાનો આ બેઠક પરથી સુવેન્દુ સામે પરાજય થયો હતો. જો કે આ પરાજયથી મમતાને વ્યક્તિગત કે તેમના પક્ષને કોઈ ફર્ક પડ્યો નહોતો. જંગી બહુમતી પ્રાપ્ત કરીને મમતાની પાર્ટી તૃણમુલ કોંગ્રેસે બંગાળમાં સત્તા જાળવી રાખી હતી. ભાજપની પુરેપુરી મહેનત અને જહેમત હોવા છતાં ભાજપે માત્ર બીજાક્રમના પક્ષ તરીકે સંતોષ માનવાની ફરજ પડી હતી. હાઈકોર્ટના ચુકાદા પર હવે સમગ્ર દેશની નજર મંડાઈ છે. હરિફો સામે આક્રમકતાથી લડવા ટેવાયેલા મમતા બેનર્જી પરાજય પચાવી શક્યા નથી તે કારણે તેણે વડી અદાલતનો આશરો લીધો છે.