ગોંડલ: વોરકોટડા ગામની સીમમાં ખેડૂત પર નશામાં ધૂત બે શ્રમિકનો હુમલો
ગોંડલના વોરાકોટડાની સીમમાં વૃદ્ધ ખેડૂતે તેની વાડીએ રહેતાં પરપ્રાંતીય મજૂરને પાણીની મોટર ચાલુ કરવાનું કહેતાં પાવડાના હાથાથી હુમલો કરતાં ખેડૂતને લોહીલુહાણ હાલતમાં સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બનાવ અંગે ઇજાગ્રસ્ત ખેડૂત ગોરધનભાઇ ભૂટાભાઈ રાણપરીયા (ઉ.વ.75) (રહે.વોરાકોટડા, ગોંડલ) ના પુત્ર નિલેશભાઈ એ જણાવ્યું હતું કે, ગત રોજ સવારે તેમના પિતા વાડીએ ગયા હતા ત્યારે ત્યાં હાજર અને છેલ્લા ચાર માસથી તેની વાડીએ મજૂરી કામ માટે આવેલ મધ્યપ્રદેશના અનસિંહ માવી અને તેનો ભાણેજ નિર્મલસિંહ દારૂના નશામાં ઝઘડો કરતો હોય જેને ઝઘડો કરવાની ના પાડી હતી તેમજ વાડીએ લાઈટ આવતાં શખ્સોને પાણીની મોટર ચાલુ કરવાનું કેહતા બંને શખ્સો ઉશ્કેરાઈ જઇ ઢીકાપાટુનો મારમારી નિર્મલસિંહે પાવડના હાથાથી હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચતા બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જે બાદ નિલેશભાઈને બનાવ અંગે જાણ થતાં વાડીએ દોડી ગયા હતાં અને તેના પિતાને લોહીલુહાણ હાલતમાં સારવારમાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા હેડ કોન્સ્ટેબલ સી.જે.જાડેજા અને સ્ટાફે હુમલો કરનાર બંને શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ આદરી હતી.