બનાવ બાદ શિક્ષક અને ભોગ બનનાર બાળકના પરિવારજનો બાખડયા‘તા: ગાંધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ પગલા લેવાશે
ધ્રાંગધ્રાના મોટી માલવણ ગામે બે મહિના પહેલા પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારેલો. અને વિદ્યાર્થીને સુરેન્દ્રનગર ખાતે દવખાના સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તેમજ માર મારનાર શિક્ષક પણ દવાખાનામાં દાખલ થઇ ગયા હતા. પરંત હજુ સુધી શિક્ષક સામે કોઇ કાર્યવાહી ન કરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ધ્રાંગધ્રા તાલુકાના મોટી માલવણ ગામે 2 માસ પહેલા પ્રાથમિક શાળાના શિક્ષક વજુભાઈ જાદવ દ્વારા શાળાના ભણતા સગીર વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી સાથે વાત કરતો હોય તેને લઈને વિદ્યાર્થીને માર મારેલો. વિદ્યાર્થીને ઈજા થતા ધ્રાંગધ્રા બાદ સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. ત્યારે શિક્ષક પણ વિદ્યાર્થીના પરિવારજનો સાથે ઝપાઝપી થતા ધ્રાંગધ્રા દવાખાનામાં સારવાર માટે દાખલ થયા હતા.
બનાવને લઈને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીને લઈને પોલીસ ફરિયાદ કરવામાં આવી ન હતી. પરંતુ બનાવને લઈને મોટી માલવણ ગામે શિક્ષક સામે ભારે રોષ જોવા મળ્યો હતો. આથી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શિક્ષક સામે તપાસ કરી પગલા લેવામાં આવશે તેમ જણાવ્યું હતું. પરંત 2 માસ જેટલો સમય થવા છતાં શિક્ષક સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અને શિક્ષક મોટી માલવણ ગામે પ્રાથમીક શાળામા ફરજ બજાવે છે.
ત્યારે શિક્ષક સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તેની ચર્ચા જોવા મળી છે. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રભાઇ મુજપરાએ જણાવ્યું કે, ગાંધીનગર ખાતે તપાસ અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે. ટૂંક સમયમાં ગાધીનગરથી રિપોર્ટ આવ્યા બાદ શિક્ષક સામે પગલા લેવામાં આવશે.