બ્રિટીશ અધિકારીઓ પાસે ૫૫૦૦ પાનાની ચાર્જશીટ સાથે કાળા ચીઠ્ઠા ખોલશે
ભારતના એક સમયના લીડર કિંગ અને બેંકોનું ૯૦૦૦ કરોડ ‚પિયાના દેવાદાર વિજય માલ્યાની મુશ્કેલીમાં વધારો થયો છે. ઈડીના બે સભ્યોની ટીમ પ્રત્યાર્પણની અરજી સાથે લંડનના અધિકારીઓને મળ્યા છે. ઈડીની સાથે સીબીઆઈના અધિકારીઓ પણ ગયા છે. આ અધિકારીઓ ૫૫૦૦ પાના ચાર્જશીટ લઈને લંડન ગયા છે. ઈડી માલ્યા સામે અન્ય ૬ દેશોમાં કાનૂની અનુરોધ પત્ર (લેટરોગેટરી) મોકલવા જઈ રહી છે.
લંડન લઈ જવામાં આવેલા દસ્તાવેજોમાં માલ્યાના કાળા કારનામાનું પૂરું લિસ્ટ છે. સીબીઆઈ તેના વતી તમામ પુરાવા લંડનની કોર્ટમાં રજૂ કરી ચૂકી છે. સીબીઆઈ આ પહેલા માલ્યાના પ્રત્યાર્પણની સુનાવણી કરી ચૂકયું છે. જેની હાલ સુનાવણી ચાલી રહી છે.સુપ્રિમ કોર્ટે અદાલતની અવમાનના કેસમાં કેન્દ્ર સરકારને ૧૪ જુલાઈએ ભાગેડુ વિજય માલ્યાને હાજર કરવા કહ્યું હતું જે બાદ આ કેસની સુનાવણી થશે તેમ સુપ્રિમ કેન્દ્રને જણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કહ્યું કે, વિજય માલ્યાના પ્રત્યાર્પણ અંગે બ્રિટનમાં ૪ ડિસેમ્બરે સુનાવણી થશે. ડિસેમ્બર પછી તેને અહીં લાવવામાં આવશે તેવો અમને વિશ્ર્વાસ છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે ઈંગ્લેન્ડમાં ફોર્મ્યુલા વન ટીમ માલિક વિજય માલ્યાને પૂછવામાં આવ્યું કે, શું તમે ભારતને મિસ કરો છો ? જેના જવાબમાં માલ્યાએ જણાવ્યું કે, મારા બધા પરિવારજનો ઈંગ્લેન્ડ કે યુએસમાં વસે છે. હાલ ભારતમાં કોઈ નથી. મારા તમામ સાવકા ભાઈ-બહેન યુકેનું નાગરિકત્વ ધરાવે છે. તેથી ભારતમાં મિસ કરવા જેવું કંઈ નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જી-૨૦ સમિટ દરમિયાન બ્રિટિશ પીએમ થેરેસા મે સાથે વાત કરીને ભારતના ભાગેડુ આર્થિક ગુનેગારો વિરુદ્ધ મદદ કરવાનો આગ્રહ કર્યો હતો. કહેવાઈ રહ્યું છે કે દરમિયાન મોદીએ ભાગેડુ બિઝનેસમેન વિજય માલ્યાને ભારત પરત લાવવા માટે સહયોગ આપવાની વાત કહી હતી. મોદી અને મે વચ્ચે થયેલી વાતચીતને ખૂબ મહત્વપૂર્ણ મનાય છે.
પહેલા માલ્યા કેસમાં સુનાવણી દરમિયાન માલ્યાના વકીલોએ બ્રિટિશ કોર્ટમાં ભારતીય જેલોની ખરાબ સ્થિતિની વાત કરી હતી.