મુંબઈની જેલમાં સુવિધા ન હોવાનો વિજય માલ્યાએ કોર્ટમાં જણાવતા સીબીઆઈએ લંડન કોર્ટને ૮ મિનિટનો વીડિયો મોકલ્યો
ભારતીય બેંકોને ૯ હજાર કરોડનો ચુનો ચોપડી વિદેશ નાશી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ ભારતની જેલોની હાલત ખરાબ હોય જો સારી સુવિધા મળે તો જ પ્રત્યાર્પણ કરું તેવી માંગણી કરી આડકતરી રીતે જેલમાં પણ રેડ કાર્પેટ જેવી સુવિધા માંગતા સીબીઆઈ દ્વારા લંડન કોર્ટને મુંબઈની આર્થર જેલનો ૮ મિનિટનો વિડીયો મોકલી જેલમાં માલ્યા માટે હવા ઉજાસ, ચોખ્ખાઈ, ટીવી સહિતની સુવિધાઓ હોવાનું જણાવ્યું હતું.
દેશના કાયદાને ધોળીને પી જવાના પ્રયાસરૂપે લીકર કિંગ વિજય માલ્યાએ બેંકોની કેડ ભાંગી નાખી ૯ હજાર કરોડનું કૌભાંડ આચર્યુ હોવા છતાં જેલમાં પણ પોતાના માટે સુવિધા માંગી રહ્યો છે અને સામાપક્ષે સરકાર પણ આવા મોટા ઠગને સુવિધા આપવા કટીબઘ્ધ હોય તેવા માહોલ વચ્ચે વિજય માલ્યાએ લંડન કોર્ટ સમક્ષ ભારતની જેલોની હાલત દયનીય હોવાનું જણાવી પોતાના માટે જેલમાં યોગ્ય સુવિધા હોય તો પ્રત્યાર્પણ કરવા જણાવ્યું હતું. જેના પગલે સીબીઆઈ દ્વારા મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં.૧૨માં સંપૂર્ણ સુવિધા હોવાનો વિડીયો લંડનની કોર્ટને મોકલ્યો હતો.
વધુમાં મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નં.૧૨માં ટેલીવીઝન સેટ, વ્યકિતગત શૌચાલય, સ્વચ્છ પાથરણા, વોશીંગ એરિયા, પુરતો સુર્યઉજાસ અને ફરવા માટે આંગણુ પણ હોવાનો વિડીયો તૈયાર કરી લંડનની કોર્ટના ચીફ મેજીસ્ટ્રેટ એમ્મા અરબુથોનેટને મોકલી આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં છેતરપિંડીના કોઈપણ કિસ્સામાં સામાન્ય માણસ પકડાય તો કોઈપણ જેલમાં ધકેલાતો હોય છે તો મહાકૌભાંડી લીકર કિંગ વિજય માલ્યાએ ૯ હજાર કરોડનો ગોટાળો કરી ભારતીય અર્થતંત્રને હચમચાવી નાખ્યું હોવા છતાં સરકાર વિજય માલ્યાના ઈશારે નાચી રહી છે અને ભાગેડુ અપરાધી માટે પણ જેલમાં રેડ કાર્પેટ બિછાવતા ભારે આશ્ર્ચર્ય સર્જાયું છે.