ટુ-વ્હીલરના રૂા.૧૦ અને ફોર વ્હીલરના રૂા.૩૦ લેવાનો વચગાળાનો નિર્ણય: વધુ સુનાવણી ૧૯ નવેમ્બરે
મલ્ટિપ્લેક્સ, થિયેટરો કે મોલ માલિક મુલાકાતીઓ પાસેથી પહેલા કલાક ફ્રી પાર્કિંગ બાદ ટુ વ્હિલરના રૂ. ૧૦ અને ફોર વ્હિલરના રૂ. ૩૦ વસૂલ કરી શકશે તેવો સુપ્રીમ કોર્ટે વચગાળાનો ચૂકાદો આપ્યો છે. પાર્કિંગ ચાર્જ કે ફી વસૂલી શકે નહીં એવા ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે સુરતના રાહુલરાજ મોલ કો.ઓ.સર્વિસ સોસાયટી દ્વારા સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લિવ પિટિશન દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશ મારફતે કોમર્શિયલ બિલ્ડીંગો (મોલ-મલ્ટિપ્લેક્સ)માં પાર્કિંગ ચાર્જ વસૂલવાની પરવાનગી આપી હતી.
કોમર્શિયલ બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓ માટે પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા આપવા અને ત્યારબાદ પાર્કિંગ ચાર્જ વસૂલવા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ તાકીદ કરી હતી. ટુ વ્હિલરના કિસ્સામાં રૂ.૧૦ અને ફોર વ્હિલર માટે રૂ.૩૦થી વધુ પાર્કિંગ ચાર્જ નહીં વસૂલી શકાય એવી પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. સુપ્રીમ કોર્ટનો આ હુકમ તમામ મોલ-મલ્ટિપ્લેક્સમાં હવે લાગુ પડી શકશે.
કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એવી પણ મહત્વની ટકોર કરી હતી કે, સંપૂર્ણ રીતે ફ્રી પાર્કિંગ હોઇ ના શકે. તેથી પક્ષકારોએ તેમની રીતે જરૂરી સૂચનો અને દરખાસ્ત રજૂ કરવા જોઇએ જેને કોર્ટ ધ્યાને લેશે. સુપ્રીમ કોર્ટે સમગ્ર કેસની વધુ સુનાવણી તા.૧૯મી નવેમ્બરે મુકરર કરી હતી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દિપક ગુપ્તા અને જસ્ટિસ અનિરૂધ્ધ બોઝની ખંડપીઠે મહત્વના આદેશમાં જણાવ્યું હતું કે, અરજદાર અને જીડીસીઆરના નિયમન મુજબ કોમર્શિયલ બિલ્ડીંગોના મેનેજરોએ તેમના બિલ્ડીંગમાં આવનાર મુલાકાતીઓને પ્રથમ કલાક ફ્રી પાર્કિંગની સુવિધા પૂરી પાડવાની રહેશે. ત્યારબાદ તેઓ વાજબી પાર્કિંગ ચાર્જ વસૂલી શકશે પરંતુ આ પાર્કિંગ ચાર્જ ટુ વ્હિલરના કિસ્સામાં રૂ. ૧૦ અને ફોર વ્હિલરના કિસ્સામાં રૂ. ૧૦થી વધુ વસૂલી શકાશે નહીં.