આર્થિકભીસના કારણે ચાલતા ઘર કંકાસના કારણે ફુલ જેવી બાળકીને નદીના વહેતા પાણીમાં ફેંકી મોતને ઘાટ ઉતારી દીધી
ક્ષણિક ક્રૌધ અને ગુસ્સામાં માનવી માનસિક સંતુલન ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના માળીયા હાટીના તાલુકાના માતરવાણીયા ગામે બની છે. આર્થિકભીસના કારણે ચાલતા ઘર કંકાસથી કંટાળી જનેતાએ પોતાની એકની એક છ માસની પુત્રીને પોતાના ગામની નદીના વહેતા પાણીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યાની કરુણાંતિકા સર્જતિ ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છ.ે માળીયા હાટીના પોલીસે બાળકીની હત્યા અંગેનો ગુનો નોંધી તેણીની માતાની ખૂનના ગુનામાં ધરપકડ કરી છે.
માળીયા પંથકમાં આવેલા માતરવાણીયા ગામે કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. વાડી વિસ્તારમાં રહેતા પરિવારના મકાનમાં ઘોડિયામાં સુતેલી છ મહિનાની બાળકીને ઉઠાવીને તેની જનેતાએ જ ઘરથી 400 મીટર દુર નદીના ઊંડા પાણીમાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યા પોલીસ તપાસમાં સામે આવતા ચકચાર મચી જવા પામી છે.ત્યારે પોલીસે તેની માતા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પીએસઆઈ બી.કે.ચાવડાએ જણાવ્યું કે, ગઈકાલે સવારે 11.30 કલાકે પોલીસને જાણ થયેલ કે, માળીયાના માતરવાણીયા ગામે વાડી વિસ્તારમાં રહેતા હિરેનભાઈ નાથાભાઈ પરમારની છ મહિનાની દીકરી ત્રિશા સવારે 6 વાગ્યે અચાનક ઘોડિયામાંથી લાપતા બની છે. જેને લઈને પોલીસે ડોગ સ્કોર્ડ અને એફએસએલની મદદ વડે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો, અને કલાકોની મહેનત બાદ ડોગની મદદથી હિરેનભાઈના મકાનથી 400 મીટર દુર આવેલી નદીના પાણીમાં તરતી હાલતમાં ત્રિશાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
જેથી આ બાળકીનો મૃતદેહ મળતા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ સહિતની ટીમો કામે લાગી હતી. અને બનાવશ પર લાગતા પોલીસ દ્વારા પ્રથમ પરિવારજનોની જ પૂછપરછ કરવામાં આવી હતી જેમાં તેની માતાની પૂછપરછ કરતા તે ભાંગી પડી હતી અને તેને કબુલાત આપી હતી કે તેની છ મહિનાની દીકરી ત્રિશાને પોતે જ આર્થિક પીસ ના કારણે નદીમાં ફેંકી દીધી હતી. જેથી પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકર કરી કાર્યવાહી હાથ ધરી છે.