બહેનની રક્ષાના દિવસે જ
મોબાઈલમાં વાત કરતી હોવાથી ઉશ્કેરાયેલા ભાઈએ બહેન પર કર્યો ખૂની હુમલો
દેશભરમાં આજરોજ બહેનની રક્ષા માટે ભાઈઓ રાખડી બાંધીને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે માળિયા તાલુકાના રાસંગપર ગામે ભાઈ બહેનનાં સબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોબાઈલમાં પર વાત કરતી બહેનને તેના સગા ભાઈએ દાતરડાના આડેધડ ઘા ઝીંકી હત્યાની કોશિશ કરી હતી. ગંભીર રીતે ઘવાયેલી બહેનને તાત્કાલિક સારવાર માટે અત્રે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઉતરપ્રદેશના અને હાલ અહીંયા માળીયા તાલુકાના રાસંગપર ગામે રહીને ખેત મજૂરી કરી પેટિયું રડતી લલીતાબેન વિશાંતભાઈ ભાણુ નામની 20 વર્ષીય યુવતી પર તેના જ સગા ભાઈ લાલાએ દાતરડાના આડેધડ ઘા ઝીંકી દીધા હતા.
એક તરફ ચારે તરફ ભાઈઓ રાખડી બાંધીને બહેનની રક્ષા માટે પ્રાથના કરતા હોય છે ત્યારે માળીયાના રાસંગપર ગામે ભાઈ અને બહેનના સબંધો પર લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. હુમલા બાદ લલીતાબેનને તાત્કાલિક સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેની સ્થિતિ નાજુક જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યા મુજબ લલીતાબેન મોબાઈલ કોઈ સાથે વાતચીત કરતી હોય જેના પગલે ગઇ કાલે મોડી રાત્રીના લાલો નશામા ધૂત થઈને આવ્યો હતો અને લલીતાબેન સાથે માથાકૂટ કરી હતી. જેથી લલીતાબેનએ ભાગવાનો પ્રયાસ કરતા લાલો દાતરડું લઈને પાછળ દોડ્યો હતો. જોતજોતામાં લાલાએ પોતાની બહેન લલીતાબેનને માથા, છાતી અને કાનના ભાગે ઘા ઝીંકી દેતા યુવતી લોહિયાળ હાલતમાં ઢળી પડી હતી. જેમાં લાલાની પત્ની વચ્ચે પડતા તેના પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરો હતો. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી છે.