માલદીવ અને ભારત વચ્ચે સંબંધો બગડયા છે. મોહમ્મદ મુઈજ્જુની સરકાર બન્યા બાદથી જ માલદીવના ભારતની સાથે સંબંધ ખરાબ થઈ ગયા છે. આ વચ્ચે વિદેશ મંત્રી જયશંકરે માલદીવના રાષ્ટ્રપતિને તેમની જ ભાષામાં જવાબ આપતા કહ્યુ કે બદમાશ ક્યારેય 4.5 અબજ ડોલરની મદદ કરતા નથી. જાન્યુઆરી મહિનામાં મુઈજ્જુએ ભારત વિશે કહ્યુ હતુ કે કોઈ પણ દેશ પાસે તેમને ધમકાવવાનું લાયસન્સ નથી. પોતાના પુસ્તક ‘વ્હાઈ ભારત મેટર્સ’ના પ્રમોશન કાર્યક્રમમાં જયશંકરે કહ્યુ કે ભારત હંમેશા સંકટના સમયમાં પોતાના પાડોશી દેશોની સાથે ઊભુ રહે છે અને દરેક શક્ય મદદ કરે છે.
વિદેશ મંત્રીને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે ભારત આ મહાદ્વીપમાં ઘૂસણખોરીનો પ્રયત્ન કરે છે. તેમણે કહ્યુ કે તમે જો ભારતને મોટો બદમાશ ગણાવો છો તો એક વાત ધ્યાન રાખો કે બદમાશ 4.5 અબજ ડોલરની મદદ કરતા નથી. કોવિડના સમયે બીજા દેશોને વેક્સિન મોકલતા નથી. યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં અનાજથી લઈને ખાતર અને દવાઓ પણ મોકલાવતા નથી. આજે ભારતના વખાણ સમગ્ર દુનિયા કરે છે. સંકટના સમયે ભારતે દરેક દેશની મદદ કરી છે.
માલદીવ અને ભારતની વચ્ચે તણાવ વધી ગયો જ્યારે મુઈજ્જુના મંત્રીઓએ વડાપ્રધાન મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી દીધી. જોકે ઘરેલુ દબાણના કારણે જ 3 મંત્રીઓને કેબિનેટથી બહાર કરી દેવાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લક્ષદ્વીપના પર્યટનને પ્રોત્સાહન આપવા માટે તસવીરો શેર કરી હતી. જે બાદ મુઈજ્જુના મંત્રીઓએ તેની પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેનો વિરોધ મુઈજ્જુ સરકારે પોતાના ઘરમાં પણ કરવો પડ્યો.
જયશંકરે કહ્યુ કે નેપાળ, શ્રીલંકા, ભૂટાન, બાંગ્લાદેશ અને માલદીવમાં છેલ્લા અમુક વર્ષોમાં જ ભારતનું રોકાણ ઝડપથી વધ્યુ છે. આજે જે રીતનો વેપાર પાડોશી દેશો સાથે થઈ રહ્યો છે, તે પણ એક વ્યક્ત કરનારી કહાની છે. હું આ લિસ્ટથી માલદીવને અલગ કરી રહ્યો નથી. માલદીવની સાથે પણ સારા વ્યાપારી સંબંધ છે. આ મામલે હુ ભૂટાનનું નામ પણ ભૂલી શકતો નથી કેમ કે બંને દેશોની વચ્ચે ખૂબ ગાઢ અને મજબૂત સંબંધ છે. અમે એકબીજાનું ખૂબ સન્માન કરીએ છીએ.
અગાઉ મુઈજ્જુએ એલાન કર્યુ હતુ કે ભારતીય સેનાની પહેલી ટુકડી 10 માર્ચ સુધી ભારત મોકલી દેવામાં આવશે. જે બાદ બાકીની બે ટુકડીઓને 10 મે સુધી મોકલવામાં આવશે. માલદીવના રાષ્ટ્રપતિ ચીનના ઘોર સમર્થક છે અને દરમિયાન તે પોતાના હિતોને અવગણીને ભારતનો વિરોધ કરી રહ્યા છે. મુઈજ્જુનું કહેવુ છે કે તેમના દેશમાં કોઈ પણ વિદેશી સેના હાજર રહેવી જોઈએ નહીં.