સરકારનાં પરિપત્ર મુજબ પગાર ચુકવવાની માંગ સાથે ૨૨૦ પૈકી ૧૩૬ કર્મચારીઓ અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી ગયા: હાજર નહીં થાય તો કાયમી ધોરણે છુટા કરી દેવાની મ્યુનિસિપલ કમિશનરની ચીમકી
રાજકોટ મહાનગર પાલિકાનાં અર્બન મેલેરિયા વિભાગમાં કામ કરતાં ૨૨૦ પૈકી ૧૩૬ સ્વયંસેવકો આજે રાજય સરકારનાં પરિપત્ર મુજબ પગાર ચુકવવાની માંગ સાથે અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જતાં શહેરમાં ભરચોમાસે ડોર ટુ ડોર ફોગીંગ સહિતની કામગીરી ખોરંભે પડી છે. આગામી ૧૨ કલાકમાં સ્વયંસેવકો ફરી ફરજ પર હાજર નહીં થાય તો તેઓને કાયમી ધોરણે છુટા કરી દેવામાં આવશે અને નવી ભરતી કરવામાં આવશે તેવી ચીમકી મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
કોર્પોરેશનનાં અર્બન મેલેરિયા વિભાગમાં કામ કરતાં ૨૨૦ કર્મચારીઓએ બે દિવસ પહેલા જ મ્યુનિસિપલ કમિશનરને પત્ર આપી રજુઆત કરી હતી કે, તેઓને રાજય સરકારનાં પરિપત્ર મુજબ પગાર ચુકવવામાં નહીં આવે તો તેઓ ૪૮ કલાકમાં ગાંધી ચિંઘ્યા માર્ગે અચોકકસ મુદતની હડતાલ પર ઉતરી જશે. આજે ૨૨૦ પૈકી ૧૩૬ સ્વયંસેવકો હડતાલ પર ઉતરી જતા ચોમાસામાં ઈન્ટ્રા ડોમેસ્ટીક અને પેરા ડોમેસ્ટ્રીક કામગીરી અટકી જવા પામી હતી. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ તમામ સ્વયંસેવકોને ૧૨ કલાકમાં ફરી નોકરી પર હાજર નહીં થાય તો તેઓને કાયમી ધોરણે ફરજમુકત કરી દેવામાં આવશે અને નવી ભરતી હાથ ધરવામાં આવશે.