- જર્મનીના મેગેઝીનના કૃત્ય બદલ ઠેર ઠેર ટીકા : મંત્રીએ તો ઉધડો લઈને કીધું, ધીરા ખમો તમારા જર્મનીના અર્થતંત્રને પણ પાછળ છોડી દેશું
ભારત વસુધૈવ કુટૂંબકમની ભાવનાને વરેલો દેશ છે. જે વૈશ્વિક કૂટનીતિમાં વેરઝેરની ભાવના વગર સંબંધો રાખે છે. વિશ્વ આખું સાક્ષી છે કે જ્યારે કોઈ દેશ મુશ્કેલીમાં આવ્યો છે ત્યારે ભારતે ભૂતકાળ ભૂલીને મદદ માટે હાથ લંબાવ્યો છે. હવે આવા દેશની મજાક ઉડાડવી એ યોગ્ય નથી. જર્મનીના એક મેગેઝીને આવું કૃત્ય કર્યું છે.જો કે તેને ઠેર ઠેરથી ટીકાનો સામનો કરવો પડ્યો છે.
દુનિયાની સૌથી મોટી વસતી ધરાવતો દેશ ભારત બની ગયો છે. ત્યારે ભારતની મજાક ઉડાડવા જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કર્યો હતો. આ કાર્ટૂનની મદદથી ભારતની વસતીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. આ મામલે ભારતીય મંત્રીઓએ આકરી પ્રતિક્રિયા પણ આપી છે.
કાર્ટૂનમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેસેલા છે. જ્યારે એક બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવાઈ છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂનના માધ્યમથી ચીનની ટેક્નોલોજીની પ્રગતિ બતાવાઈ છે. જોકે ભારતને ધરાશાયી થતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રજૂ કરાયું છે.
તાજેતરમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ અનુસાર ભારતની વસતી 142.86 કરોડ થઈ ચૂકી છે. જોકે ચીનની વસતી 142.57 કરોડ છે. બીજી બાજુ આઈટી મંત્રાલયના વરિષ્ઠ સલાહકાર કંચન ગુપ્તાએ પણ આ કાર્ટૂનની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આ કાર્ટૂન જાતિવાદી છે. ડેર સ્પીગલ દ્વારા ભારતનું આ રીતે ચિત્રણ કરવું વાસ્તવિકતાથી મેળ નથી ખાતું. તેનો ઉદ્દેશ્ય ફક્ત ભારતને નીચું બતાવવા અને ચીન આગળ નતમસ્તક થવાનો છે.
ઈલેક્ટ્રોનિક્સ અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. તેમણે ટ્વિટ કરી કે પ્રિય કાર્ટૂનિસ્ટ ડેર સ્પીગલ ભારતની મજાક ઉડાડવાના તમારા પ્રયાસ છતાં પીએમ મોદીના નેતૃત્વ હેઠળ ભારત વિરુદ્ધ દાંવ લગાડવું સ્માર્ટ નથી, અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા પણ મોટું હશે. જોકે અમુક લોકોએ આ કાર્ટૂનને યોગ્ય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે તહેવાર દરમિયાન ભારતીયો ઘરે જાય છે ત્યારે અમુક ટ્રેન આ કાર્ટૂન જેવી જ લાગે છે.