હરિહરાનંદ સ્વામીના ગુમ થયાના પ્રકરણમાં નવો વળાંક

બાપુને શોધવા વડોદરાથી ભરૂચ સુધીનાં આશ્રમો અને મંદિરો તપાસતી પોલીસ

જૂનાગઢના ભવનાથ તથા અમદાવાદના સરખેજ અને નર્મદા નદીના કિનારે આવેલ ભારતી આશ્રમના હરિહરાનંદ સ્વામી ગત તારીખ 30 ના રોજ રાત્રીના સમયથી અચાનક ભેદી સંજોગોમાં ગુમ થતાં હરિહરાનંદજીના સેવકો, ભાવિકોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બીજી બાજુ હરિહરાનંદજી હેમખેમ પરત આવે તે માટે ગિરનાર ક્ષેત્રના સંતો દ્વારા માંગ ઉઠવા પામી છે. ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના આશ્રમ અને કરોડોની સંપત્તિનો વિવાદ થતાં હરિહરાનંદ બાપુ છેલ્લા ઘણા સમયથી ચિંતિત અને દુ:ખી હતા ત્યારે એકાએક ગુમ થવાની ઘટના સામે આવી છે. જો કે, આ બાબતે વડોદરા પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

બ્રહ્મલીન મહામંડલેશ્વર 1008 ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીની તાજેતરમાં ચાદર વિધિ કરવામાં આવી હતી પરંતુ ગત તારીખ 30 ના રોજ મહામંડલેશ્વર મહંત હરિહરાનંદજી ભારતીજી અમદાવાદ ખાતે દવા લેવા ગયા હતા અને રાત્રિના નવ વાગ્યાના અરસામાં પોતાનો મોબાઈલ ફોન મૂકી નર્મદાના ગોરા આશ્રમથી અચાનક ભેદી સંજોગોમાં ગુમ થતાં તેમના સેવક અને ભક્તોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું અને આ અંગે વડોદરા પોલીસમાં નોંધ પણ કરાવવામાં આવી હતી.

ત્યારે વડોદરા પોલીસ દ્વારા હરિહરાનંદજી બાપુની ભાળ મેળવવા માટે ઝીણવટભરી તપાસ આદરી હતી. જો કે રાત્રિના નવ વાગ્યાના અરસામાં કપુરાઈ ચોકડી પાસે આવેલા રિસ્તા હોટલના સીસીટીવી કેમેરામાં હરિહરાનંદજી બાપુ ચાલીને જતા હોવાનું કેદ થયેલ છે. બીજી બાજુ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ નર્મદા કાંઠે આવેલ ભારતી આશ્રમ ગોરા ખાતે તપાસ અર્થે પહોંચી હતી અને બાપુના ડ્રાઈવર અને બાઉન્સરની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જો કે પોલીસ હજુ ચાર દિવસ થવા છતાં હરિહરાનંદ બાપુ સુધી પહોંચી શકી નથી કે ભાળ મેળવી શકી નથી.

બીજી બાજુ ગઈકાલે જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમ ખાતે ગિરનાર ક્ષેત્રના સંતો, મહંતો પહોંચ્યા હતા અને ભારતી આશ્રમનું સંચાલન કરતા મહાદેવ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, બાપુ ગત તારીખ 30 ના રોજથી અચાનક ગુમ થયા છે અને તેઓ હેમખેમ પરત ફરે તે માટે તંત્ર અને પોલીસ દ્વારા કાર્યવાહી થાય તેમ જણાવી, બ્રહ્મલીન ભારતી બાપુના આશ્રમ અને કરોડોની સંપત્તિનો જે વિવાદ ચાલી રહ્યો છે તેનો સાથે બેસી સુખદ નિર્ણય કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.

જો કે પ્રાપ્ત વિગતો અનુસાર ગોરા ભારતી આશ્રમનું સંચાલન કરતાં સંત સોમનંદજી મહારાજ્ય દ્વારા તેમના ગુરૂ ભાઈ ઋષિ ભારતી સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અને સોમનંદજી મહારાજ એ જણાવ્યું છે કે, ભારતી બાપુ દેવલોક પામ્યા ત્યારે મારા ગુરુ બ્રહ્મલીન ભારતી બાપુએ વીલ બનાવ્યું હતું અને ઓરિજિનલ વિલ હરિહરાનંદજી બાાપુના નામે છે પરંતુ હરિહરાનંદજી બાપુને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતોો, અને કરોડોની મિલકતો હડપ કરવા  અનેક લોકો ઋષિ ભારતીને સહયોગ આપી રહ્યા છે.

આ દરમિયાન ભારતી બાપુએ જૂનાગઢની સબ રજીસ્ટાર કચેરીમાં કરેલ વિલ સોશિયલ મીડિયામાં ફરી રહ્યું છે. જેમાં બાપુના ઉત્તરાધિકારી તરીકે હરિહરાનંદ સ્વામીજીને જાહેર કરવામાં આવેલ છે અને અમદાવાદની સરખેજ ખાતે આવેલા આશ્રમ માટે ઋષિ ભારતીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અમદાવાદના ત્રણ દ્રષ્ટિના નામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ભારતીબાપુ બ્રહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી ભારતી બાપુના આશ્રમ અને કરોડોની સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે અને આ વિવાદમાં વીલ સામે આવ્યા છે. પરંતુ તેમાં પણ સાચા ખોટા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા હાલમાં તો ગુમ થયેલા હરિહરાનંદ સ્વામીની શોધખોળ ચાલી રહી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.