દેવુ કરીને ઘી પીવાની કહેવત પ્રચલીત છે પરંતુ સમજ્યા વગરનું મુડી રોકાણ ઝેર સમાન: વિદેશી ફંડને ઉત્પાદકતામાં રૂપાંતર કરવું આવશ્યક
મહામારીથી મુક્તિ મળી ગયા બાદ દેશની સૌથી ઝડપથી વિકસીત કંપનીઓને પાણીદાર બનાવવા વિદેશી મુડી રોકાણ મોટો પડકાર બની જશે. દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા ઈનોવેટીવ વ્યાપાર મોડેલ મહત્વનું છે. આવા મોડેલમાં નાણાકીય ભંડોળ અતિ આવશ્યક પાસુ હોય છે. જો કે, આગામી દિવસોમાં આ પાસુ ડગમગે તેવી શકયતા છે. દેશના યુનિકોર્ન સમાન વ્યાપાર-ઉદ્યોગમાં મુડી વગર ટકવું મુશ્કેલ છે. અત્યાર સુધી વિદેશી ફંડ ધોમ મળતું હતું. પરંતુ આ ફંડ પ્રોડક્ટિવીટીમાં ન વપરાય તો ઝેર સમાન બની જાય છે. ભવિષ્યમાં પણ આવું ન બને તેની તકેદારી રાખવી જરૂરી છે. દેવું કરીને પણ ઘી પીવાય તેવી કહેવત છે પરંતુ દૂધમાંથી ઘી બનાવવાના પ્લાનીંગ વગર દેવુ કરવું હમેશા જોખમી નિવડે છે. વિદેશી ફંડ મુડી રોકાણમાં બદલાય તેની જરૂર છે. અત્યાર સુધી દેશમાં ઝડપથી વિકસતી કંપનીઓને ૮૦ ટકા જેટલું ઈન્વેસ્ટમેન્ટ વિદેશમાંથી મળતું હતું. હવેથી આ ઈન્વેસ્ટમેન્ટ યોગ્ય સ્થાને વપરાય તેની ખાસ કાળજી લેવાશે.
આંકડા મુજબ કોઈપણ ઝડપથી વિકસતા વેપારને એકંદરે રૂા.૧ હજાર કરોડની જરૂર ઈક્વિટીમાં રહે છે. જો આ ૧ હજાર કરોડ રૂપિયા અલગ અલગ રીતે આવે તો દરેક ફંડમાં રૂા.૨૦૦ થી ૨૫૦ કરોડની રકમ નાખવી અનિવાર્ય છે. પાંચ વર્ષના મુડી રોકાણના સમયગાળામાં મુડી રોકાણ કરનાર કંપની સામાન્ય રીતે ૧૦ થી ૨૦ ઉદ્યોગોમાં રોકાણ કરતી હોય છે. વિદેશી મુડી રોકાણકારો ઝડપથી વિકસતી કંપનીમાં રોકાણ કરવાને પ્રાધાન્ય આપે છે. અલબત વધુને વધુ ફંડ ડોમેસ્ટીક કેપીટલ બને તેની જરૂર છે. ઈ-કોમર્સ, સાયબર સિક્યુરીટી, ફૂડ પ્રોસેસીંગ અને આરોગ્ય સેવા સહિતના ક્ષેત્રે વ્યવહારૂ રીતે નિયંત્રીત થયેલુ ભંડોળ ઉદ્યોગોને બુસ્ટર ડોઝ આપશે. મોટાભાગે ઉદ્યોગો ફંડીંગમાં આત્મનિર્ભરતા લાવવા માંગી રહ્યાં છે. નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ સહિતના સ્થાનિક મુડી રોકાણ ક્ષેત્રોને ધીમીગતિએ સ્થાનિક વેપાર-ઉદ્યોગો અને ભંડોળ આપવા તરફ વાળવાની જરૂર છે. સામાન્ય રીતે મોટા મુડી રોકાણકારો, આઈપીઓ, રિયલ એસ્ટેટ, ઈન્વેસ્ટમેન્ટ, ટ્રસ્ટ, ઈન્ફાસ્ટ્રકચર, ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ સહિતના ક્ષેત્રે મુડી રોકાણ કરવા માટે રસ લેતા હોય છે. જો કે, તેઓ ૩ ટકા સુધીનું મુડી રોકાણ નાની ઈન્ડસ્ટ્રીમાં પણ કરે તો ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓનું સમાધાન મળી રહે. આ ઉપરાંત સ્મોલ ઈન્ડસ્ટ્રી ડેવલોપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયાનો પણ વ્યાપ વધારવો આવશ્યક છે.
મુડી રોકાણને લગતા આ ત્રણ પાસાઓ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જરૂરી
જે સિક્યુરીટીની નોંધણી હજુ થઈ નથી. તેમાં સ્થાનિક મુડી રોકાણને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આવી સિક્યુરીટીના કારણે વર્ષે, દહાડે કરોડો રૂપિયાના વહીવટ થતાં હોય છે. આવી સંસ્થાઓ જ વિકાસ પામી મોટા વટવૃક્ષ બને છે. આ ઉપરાંત ભંડોળના મુદ્દે વૈકલ્પીક ધારા-ધોરણો ઘડવા પણ જરૂરી છે. સ્થાનિક નાણાકીય સંસ્થાઓ સ્થાનિક ઉદ્યોગો માટે મુડી રોકાણ માટે પ્રોત્સાહિત થાય તે પણ આવશ્યક છે. વર્તમાન સમયે આ તમામ પાસાઓ ઉપર નિષ્ણાંતોની નજર છે. વર્તમાન સમયે સ્થાનિક મુડી રોકાણકારો નોંધાયેલી ન હોય તેવી સંસ્થામાં રસ લેતા થાય તે જોવામાં આવશે. વિદેશી મુડી રોકાણના તો ઘણા લાભા-લાભ રહે છે.