વેપારીના પ્રશ્નોની લડત સેવા યુવા એડવોકેટ ચંદારાણા વિનામુલ્યે આપશે
ઉપલેટા તાલુકાના પાનેલી ગામે છેલ્લા ઘણા સમયથી ગામના વિવિધ સામાજીક પ્રશ્ર્નો માટે સબળ નેતૃત્વ નહીં હોવાને કારણે વેપારી ભાઈઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ અંગે ગઈકાલે ગામના તમામ વેપારીઓની મળેલી મીટીંગમાં વેપારી મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ અને ખજાનચીની બિનહરીફ વરણી કરાતા ગામના આગેવાનોએ આવકારી શુભેચ્છા આપી હતી.
ગઈકાલે લોહાણા મહાજન વાડીમાં ગામના તમામ વેપારીઓની એક મીટીંગ મળી હતી. આ મીટીંગમાં વેપારી મંડળનાં પ્રમુખ તરીકે નિલેશભાઈ કલ્યાણજીભાઈ માખેચા, ઉપપ્રમુખ તરીકે લાલાભાઈ વાછાણી, મંત્રી કમ ખજાનચી તરીકે હરેશભાઈ તન્નાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ મીટીંગમાં ગામના યુવા એડવોકેટ ધવલભાઈ ચંદારાણાએ વેપારીને લગતા પ્રશ્નોની લડત સેવા વિનામુલ્યે આપવાની જાહેરાત કરી હતી.
જયારે નવા વરાયેલા પ્રમુખ નિલેશભાઈ માખેચાએ જણાવેલ કે પાનેલી ગામનું વેપારી મંડળ બિન રાજકિય રીતે બનાવવામાં આવેલ છે. વેપારીઓના પ્રશ્નો માટે લડત આપવા અને પાછી પાની નહીં કરીએ. નવા વરાયેલા પ્રમુખ નિલેશભાઈના પિતા અને ભાઈ પણ વેપારી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી ચુકયા છે. નવા વરાયેલા વેપારી મંડળનાં હોદેદારોને ગેલેકસી અને ઈસ્કોન ગ્રુપના જતિનભાઈ ભાલોડિયા, સહકારી મંડળીના પ્રમુખ અનિલભાઈ જાસદણીયા, ઉપપ્રમુખ રનાભાઈ ફિડોરીયા, ગૌશાળાના પ્રમુખ માધાભાઈ કાલાવડિયા, પૂર્વ સરપંચ મનુભાઈ ભાલોડિયા, યુવા એડવોકેટ ધવલભાઈ ચંદારાણા, સામાજીક કાર્યકર દિનેશભાઈ વેકરીયાએ આવકારી શુભેચ્છા પાઠવી હતી.