રાજકીય ક્ષેત્રને ગંદવાડમુકત અને મતિભ્રષ્ટતામુકત બનાવીએ એ આજના જમાનાનો તકાજો છે…

નૂતન વર્ષના શકવર્તી આરંભને વખતે આપણા દેશની હાલત સારી નથી. ધીંગા પડકારોથી એ ઘેરાયેલો છે.

ગુજરાતનાં સાહિત્ય સમ્રાટો પૈકીના એક શ્રી ચંદ્રવદન મહેતાએ એમના એક કાવ્યમાં લખ્યું છે તે આજની ઘડીએ પણ પણ એટલું જ પ્રાણવાન છે.

‘પ્રભો ! છંકારી દે સકળ જગ તારા ઉદધિમાં ’

આખા વિશ્વને મહાસાગરમાં છંકારી દઈને તેનો ગંદવાડ દૂર કરવાની અને તમામ પ્રકારનાં મેલને દોઈધકોઈને સંશુધ્ધ કરવાની તીવ્ર લાગણી તેમણે અભિવ્યકત કરી હતી.

આજની ઘડીએ આ વાત આપણા દેશને પણ લાગૂ પડે છે.

વિક્રમ સંવત ૨૦૭૬ના નૂતનવર્ષને આપણે માનવસેવા તથા ‘દેશસેવા’નું વર્ષ બનાવીએ અને સુવર્ણયુગના લક્ષ્ય પ્રતિ મહાપ્રયાણમાં મંડાણ કરીએ. આખરે તો આપણુ લક્ષ્ય આજ છે.

આ દેશમાં ‘સુવર્ણયુગ’ સર્જવાનું અને તેને રામરાજયમાં પરિવર્તિત કરવાનું આપણા દેશના સંતો અને શૂરાઓનું અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું લક્ષ્ય હતું આપણા સ્વાતંત્ર્યવીરોનું પણ આ દેશને ગુલામી મુકત અને સ્વાધિન દેશમાં પરિવર્તિત કરવાનું લક્ષ્ય હતું. આ દેશનાં ‘જનગણ’ માટે એ ભાગ્ય વિધાતા બની રહે એ તેમનું લક્ષ હતું.

સ્વતંત્રતા-આઝાદીના લક્ષ્યને આપણે આંબી લીધું અને તા.૧૫મી ઓગષ્ટ ૧૯૪૭નો દિવસ ઐતિહાસીક બની ગયો પરંતુ આઝાદી પછીના મહાપ્રયાણને આપણો દેશ સિધ્ધ કરી શકયો નથી. આ અધૂરપને ‘સુરાજય’ની મધુરપથી ભરી દેવા આપણે સૌએ મથવાનું છે. એને માટે આ દેશે ‘માનવસેવા’ અને ‘દેશસેવા’ને નખશીખ વરેલો યુવાનો-યુવતીઓ જોઈશે. અનિવાર્ય પણે જોઈશે.

આપણા દેશને અને આપણા માનવ સમાજને ‘માનવસેવા એ જ પ્રભુસેવા’ના રામબાણ-સુત્ર બક્ષીને અને એને આપણી માતૃભૂમિના વાતાવરણમાં અણુ-પરમાણું આંદોલિત કરી ધર્મની એક નવી જ અને અનોખી વ્યાખ્યા આપનાર અજોડ સંત શિરોમણી પૂ. શ્રી જગબાપા, પૂ. શ્રી રણછોડદાસજી મહારાજે આ દેશની કારમી ગરીબાઈને અને મતિ ભ્રષ્ટતાને નિર્મૂળ કરવાનો રાહ ચીંધ્યો છે. આ નવી વ્યાખ્યાને ગોસાઈ શ્રી તુલસીદાસજીની જેમ દેશ -વિદેશના ભારતીય હિન્દુઓમાં પ્રસારિત કરી આપી છે. એ શુભ ચિહન છે.

વિક્રમ સંવતના કારતક સુદ ચોથના શુભદિને આ રામ સ્વરૂપના માનવેશ્વર અવતર્યા હતા. એટલું જાણી શકાયું છે, પરંતુ કયા વર્ષની તારીખે તેઓનું આ પૃથ્વી પર (એટલે કે ભારતમાં) પ્રાગટય થયું અને તેઓએ તવારિખી પરિવર્તન કરીને કરોડો લોકોને મંત્રમુગ્ધ કર્યા તે આજ સુધી સંશોધનનો વિષય બન્યો છે. તેઓએ અનોખી દેશભકિતનું પણ દર્શન કરાવ્યું અનો અગમ્ય દેશ સેવાનું પણ દર્શન કરાવ્યું અને આત્મોન્નતિ, મોક્ષ-મુકિત તેમજ હિન્દુઓનાં બ્રહ્મા, વિષ્ણુ તેમજ મહેશ્વરના ત્રિવિધ સ્વરૂપની તેમજ દેવતાઈ દિવ્યોત્તમ અને અભૂતપૂર્વ સામર્થ્યનો પરચો પણ આપ્યો.

હનુમાનજી મહારાજ અને શ્રી રામચંદ્રજી એમના દૈહિક ભગવાનત્વમાં હાજરા હજૂર રહ્યા.

રાજકોટમાં શ્રી રણછોડદાસજી બાપુ એકમાત્ર આશ્રમ શ્રી સદગુરૂ સદન પૂ. શ્રીરણછોડદાસજી બાપુ સાર્વજનીક આંખની હોસ્પિટલમાં વિક્રમ સંવતના ૨૦૭૫ના વર્ષમાં બાવન (૫૨) હજાર મોતિયાના સફળ ઓપરેશનનો વિક્રમ સજર્યા બાદ આ નૂતન વર્ષ દરમ્યાન આ આંખની હોસ્પિટલમાં બોતેર (૭૨) હજાર ઓપરેશન કરવાનાં સંકલ્પની જાહેરાત કરીને ‘માનવ સેવા’ ના શ્રી રણછોડદાસજી બાપુએ આપેલા મંત્રને સિધ્ધ કરવાની પ્રતીતિ આ સંસ્થાએ કરાવી છે. ‘દર્દી’ને આ સંસ્થાએ ‘દર્દી’ ભગવાન’ની ઓળખ આપી છે. તદ્ન નિ:શુલ્ક (એટલે બધી રીતે ફ્રી) ઓપરેશન અને તે પણ કાપ-ટાંકા વગરના ફેંકો પધ્ધતિના) ઓપરેશન અહી કરાય છે. આખા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેક મુંબઈ સુધી સુપર મેગા નેત્રયજ્ઞનાં સંપૂર્ણ મીશનરી નેજા હેઠળ થતા ઓપરેશન ‘માનવસેવા એજ પ્રભૂસેવા’ ના મંત્ર હેઠળ થાય છે. સુક્ષ્મ સ્વરૂપે સદગુરૂ ભગવાન નિષ્ણાત ડોકટરોની પડખે ઉપસ્થિત રહીને ‘દુવા’ અર્પતા હોવાનો સર્વ સામાન્ય આસ્થાભીનો મત છે.

આ સંસ્થા કુદરતી આફતો વખતે દેશ સેવા (રાહતયજ્ઞો) પણ કરે છે.

આપણો દેશ વિવિધ પડકારોથી ઘેરાયેલો છે. અને રાજકીય ગંદવાડ તેમજ આંતરિક ભાંગફોડ, આતંકી હૂમલા, ભંગાર અર્થતંત્ર, રાજગાદીના અનૈતિક કાવાદાવાઓ અને મોંઘવારી, ભ્રષ્ટાચાર, કાયદો વ્યવસ્થામાં નિષ્ફળતા લાંચ રૂશ્વત, ભેળસેળ, દેશભકિતનો દુકાળ તેમજ બેફામ ખર્ચ અને નાણાકીય ઉડાઉગીરીના અનિષ્ટોમાં તે ગળાડુબ છે તે વખતે વિક્રમ સંવતનું નૂતન વર્ષ કસોટીઓનો સામનો કરવામાં ગરકાવ રહેવાનો સંભવ છે. ગરીબી, બેકારી અને સંઘર્ષનાં એકધારા રાજકારણના પડકારો એ તેણે ઝીલવાના છે. શિક્ષણ ક્ષેત્ર અને માનવ ગૌરવ (ખાસ કરીને મહિલા ગૌરવ)ને રક્ષવા અને તેને નવુ બળ આપવાની મથામણો કરવી પડશે.

આ વર્ષ દેશસેવા અને માનવ સેવાને વરેલા લોકોની જબરી ફોજ વિના આ જંગ નહિ જીતાય એમ કહેવું પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.