મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતી પરવાનગી હુકમમાં સમય મર્યાદાની શરત દૂર કરાઇ
રાજ્યમાં હવે બિનખેતી થયેલી જગ્યા રહેણાંક કરો કે કોમર્શિયલ કોઇ પરવાનગીની જરૂર નથી. આ ઉપરાંત રાજ્યમાં હવે બિનખેતી પરવાનગીના હુકમમાંથી બાંધકામની સમય મર્યાદા દૂર કરવામાં આવી છે. અગાઉ બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમય મર્યાદા રહેતી હતી અને તે સમય મર્યાદામાં બાંધકામ ન થાય તો શરત ભંગનો કેસ ગણવામાં આવતો હતો. જો કે હવે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર કરી બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમય મર્યાદા દર્શાવતી શરતો દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી બાંધકામની સમયા મર્યાદા બાબતના કેસોને શરત ભંગ ન ગણવા માટે કલેક્ટરોને પણ સૂચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યમાં અત્યાર સુધી બિનખેતીની પરવાનગી લેવામાં આવે ત્યારે તે અંગેના હુકમમાં બાંધકામની સમય મર્યાદાની અંગેની જોગવાઇ રહેતી હતી. જેમાં અરજદારો નક્કી કરેલી સમય મર્યાદામાં બાંધકામ કરવાનું રહેતું હતું. આ નિયમના કારણે અનેક મુશ્કેલીઓ પડતી હતી અને ઘણા કિસ્સામાં અરજદારે ફરીવાર મંજૂરી લેવા પડતી હતી. ઉપરાંત અનેક કિસ્સામાં શરત ભંગનો કેસ ઘણી કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જો કે, સરકારના મહેસૂલ વિભાગ દ્વારા બિનખેતીના પરવાનગીના હુકમમાં બાંધકામની સમય મર્યાદા અંગે શરત દૂર કરવાનો નિર્ણય લીધો છે.
રાજ્યમાં બિનખેતીના પરવાનગીના હુકમોમાંથી બાંધકામની સમય મર્યાદામાં દર્શાવતી શરત દૂર કરવા અને ગુજરાત જમીન મહેસુલ નિયમો હેઠળના સનદનો નમૂનામાં સુધારો કરવા બાબતે સરકારની અનુમતિ અન્વયે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ મહેસુલ વિભાગ દ્વારા ગુરૂવારે આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ગુજરાત જમીન મહેસૂલ નિયમો-1972ના નિયમ-87 હેઠળના સનદનો નમૂનામાંથી બાંધકામની સમય મર્યાદા દર્શાવતી શરત ક્રમાંક-4 દૂર કરવામાં આવી છે. મહેસૂલ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર કરી તમામ કલેક્ટરોને પણ મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.