ગુજરાતની અસ્મિતા સમાન જગતજનની માં જગદંબાની શક્તિ આરાધનાની નવરાત્રિનો પ્રારંભ થશે. આસો માસના નવરાત્રિ ઉત્સવની નવલી રઢિયાળી રાતમાં રાજ્યભરનું યુવાધન રાસ-ગરબાના હિલોળે ચઢશે, ત્યારે ઘરે ઘરે માં જગદંબાની સ્થાપના કરવામાં આવી હોય છે, અને ખાસ કરીને મહિલાઓ વિચારતી હોય છે કે માં ને પ્રસાદ શું ધરવો ?
આ પ્રસાદ આપ ઘરે જ ટૂક સમયમાં બનાવીને માં નવદુર્ગાને ધરી શકો છો.
કેસર પેંડા :
સામગ્રી :
400 ગ્રામ બરફીવાળો માવો
અડધી નાની ચમચી કેસરના દૂધ સાથે બનેલી પેસ્ટ
100 ગ્રામ ખાંડ
અડધી નાની ચમચી ઈલાયચી પાવડર
એક મોટી ચમચી પિસ્તા પાવડર
બનાવવાની રીત :
માવાને સારી રીતે હાથ વડે મસળી લો અને કોરી કઢાઈમાં ધીમી આંચ પર સાત-આઠ મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ માવો ઠંડો થાય ત્યારે તેમાં કેસરની પેસ્ટ, ખાંડ અને ઈલાયચી પાવડર મિક્સ કરી લો. પેંડાને કોઇપણ નવો આકાર આપી દો. આકાર આપ્યા પછી તેને પિસ્તાના પાવડરમાં લપેટી લો. તૈયાર છે કેસર પેંડા.
ડ્રાયફ્રુટ બરફી :
સામગ્રી :
1 કપ માવો, 1 કપ ખાંડ
1/2 કપ પનીર
2 ચમચી મિલ્ક પાઉડર
1 ચમચી પિસ્તાનો ભૂકો
1 ચમચી ચારોળીનો ભૂકો
1/2 ચમચી એલચીનો ભૂકો
ઘી, એલચીના દાણા
બનાવવાની રીત :
દૂધને ગરમ કરી, ઊકળે એટલે ધીમે ધીમે લીંબુનો રસ નાંખી, ઉતારી, હલાવ્યા કરવું. બરાબર ફાટી જાય એટલે કપડામાં બાંધી રાખવું. પછી ઉપર વજન મૂકી, બધું જ પાણી કાઢી નાંખવું. આવી રીતે પનીર બનાવી, વાટી નાંખવું. હવે એક વાસણમાં એક ચમચી ઘી નાંખી, ગરમ થાય એટલે તેમાં થોડા એલચીના દાણા નાંખી, તેમાં માવો, પનીર અને ખાંડ બધું ભેગું કરી નાંખવું. ખાંડ ઓગળે અને મિક્સ થઈ જાય એટલે ઉતારી તેમાં મિલ્ક પાઉડર, બદામ-પિસ્તાં-ચારોળીનો ભૂકો અને એલચીનો ભૂકો નાંખી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઠરે એટલે કટકા કાપવા.
ખજૂરના લાડુ :
સામગ્રી :
1 કપ ખજૂર
1 કપ છીણેલુ નાળિયેર
2 મોટા ચમચી કાજુ
2 મોટી ચમચી બદામ
2 મોટી ચમચી કિશમિસ
1/4 ચમચી ઈલાયચી પાવડર
1 મોટી ચમચી ખસખસ
1 મોટી ચમચી ઘી
બનાવવાની રીત :
ખજૂરના બીજ નીકાળી તેને દાણાદાર ક્રશ કરી લો. કાજૂ અને બદામ પણ દાણાદાર ક્રશ કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં ખજૂર નાખી 4 થી 5 મિનિટ સુધી ધીમી આંચ પર શેકો. ત્યારબાદ કાજૂ અને બદામ મિક્સ કરી તેને શેકો. ક્રશ કરેલ નારિયેળ, ખસખસ, ઈલાયચી પાવડર, કિશમિસ મિક્સ કરી ગેસ બંધ કરી દો. ત્યારબાદ થોડુ ઠંડું થયા પછી 12-15 બરાબર ભાગમાં વહેચી લાડુ બનાવી લો. ઠંડુ થયા પછી તેને ડબ્બામાં ભરીને રાખો.
પંચામૃત :
સામગ્રી :
2 કપ તાજુ દૂધ
5 ચમચી ખાંડ
2 ચમચી મધ
2 કપ દહીં
તુલસીના પત્તા
બનાવવાની રીત :
પંચામૃત બનાવવા માટે સૌ પ્રથમ દૂધ અને દહીં મિક્સ કરો. ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે ઘી અને મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. તૈયાર છે પંચામૃત .
આ બધા વિશેષ પ્રસાદ બનાવી માતાજીને ધરાવી શકો છો.