નવરાત્રીના નવ દિવસ ઉપવાસમાં રોજ શું બનાવવું તે પ્રશ્ન સતાવતો હોય છે તેવામાં ઉપવાસ માટે અમે લઈ આવ્યા છીએ તમારા માટે સ્વાદથી ભરપૂર એવા સાબુદાણાના વડા તો મિત્રો જરૂરથી ટ્રાય કરો આ રેસીપી.. સાબુદાણાના વડા બનાવવા માટે ..
સામગ્રી :
1/2 કપ સાબુદાણા
1 કપ બાફી , છોલીને મસળી લીધેલા બટાટા
1/3 કપ શેકેલી મગફળી(હલકો ભુક્કો કરેલી)
1/2 ટીસ્પૂન જીરૂ
1 ટીસ્પૂન ખમણેલું આદૂ
1 1/2 ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
2 ટેબલસ્પૂન ઝીણી સમારેલી કોથમીર
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (મરજિયાત)
સાકર (મરજિયાત)
ફરાળી મીઠું (સ્વાદાનુસાર)
તેલ (તળવા માટે)
રીત :
સાબુદાણાના વડા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા સાફ કરીને પછી તેને ધોઇને આશરે 1/3 કપ પાણીમાં લગભગ 4 થી 5 કલાક અથવા બધુ પાણી સાબુદાણામાં શોષાઇને સાબુદાણા ફુલી જાય ત્યાં સુધી પાણીમાં પલાળી રાખો.
ત્યાર પછી તેમાં બાકી રહેલી વસ્તુઓ ભેળવીને સારી રીતે મિક્સ કરી લો.
આ મિશ્રણના 8 સરખા ભાગ પાડી, દરેક ભાગને 75 મી. મી. (3)ના ગોળ ચપટો આકાર આપી વડા બનાવી લો અને તેને બાજુ પર મૂકી રાખો.
એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી લો પછી તેમાં મધ્યમ તાપ પર વડા બન્ને બાજુથી હલકા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળીને સૂકા થવા ટીશ્યુ પેપર પર મૂકી રાખો.
ગરમ ગરમ લીલી ચટણી અને મીઠા દહીં સાથે પીરસો.