દીવાળીનું પર્વ અને વિક્રમ સંવતના વર્ષની પૂર્ણાહુતિ તેમજ તે પછીના નૂતન વર્ષનો શુભારંભ વિતેલા વર્ષની આવક જાવકનો અને નફા-નુકશાનનો જાયજો (એટલે કે સરવૈયું) કાઢી લેવાનું પર્વ છે.
દીવાળી પ્રકાશનું પર્વ છે, ‘સ્વચ્છતા’નું પણ પર્વ છે. મનુષ્ય માત્રની ભીતરમાં સતત ચાલતા રહેલા સારા અને નરસા તત્વોનાં મિશ્રણમાં અખંડ ચાલી રહેલા મહાભારતનાં યુધ્ધમાં નરસાં તત્વોની સારા તત્વસત્વનો પરાજય ન થઈ જાય (એટલે કે કૌરવોની પાંડવો પર જીત ન થઈ જાય તે માટે સતત આત્મખોજ કરતા રહેવાની ટેવ પાડવાનું પર્વ છે.)
દીવાળીનું પર્વ મા લક્ષ્મી, મા સરસ્વતી, મા શારદા તથા બહ્યા-વિષ્ણુ મહેશની સાક્ષીએ વેપારીઓએ તેમની સમૃધ્ધિમાં ઈચ્છિત અને ઉચિત વૃધ્ધિ થાય એની દેવ-દેવીઓને, અર્થાત પરમાત્મા-પરમેશ્ર્વરીને લેખિત પ્રાર્થના અને હૃદયભીની-શ્રધ્ધાભીની અરજ ગુજારવાનું પર્વ છે. મનુ સ્મૃતિમાં મનુષ્ય જાત માટે જે ચાર મુખ્ય વર્ણ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે તે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર પૈકી વૈશ્યનું પર્વ દીવાળીને ગણાવાયું છે. ક્ષત્રિયોનું સર્વોચ્ચ પર્વ દશેરા-વિજયાદશમી, બ્રાહ્મણોનું બળેવ અને શુદ્રોનું ધૂળેટી-હોળી ગણાવાયા છે. ‘દીવાળી’ આસોવદ અમાસના દિવસે ઉજવાય છે. અને ‘અમાસ’ના ઘોર અંધકારને દીવડાંઓ વડે અજવાળાં ઉજાસથી ભરપૂર ભરી દેવાનો, ફટાકડા આતશબાજી વડે વિદાય લેતા વર્ષમાં થયેલી વ્યાપારી સંપત્તિ સમૃધ્ધિની તથા કૃષિ ઉત્પાદન દ્વારા સાંપડેલી સમૃધ્ધિને હોંશભેર અને પ્રસન્નતાપૂર્વક ખુશાલીના સ્વપમાં વધાવવાની રળિયામણી ઘડીનો મંગલોત્સવતે દીવાળી પર્વનો પરિપાક છે.
ભારતીય સંસ્કૃતિ પર્વ પ્રધાન રહી છે. આપણા દરેક પર્વનું આધ્યાત્મિક તેમજ સામાજીક મહત્વ છે. તે સાથે તે પર્વનો સંદેશ પણ શુભકલ્યાણ માટેનો હોય છે. આ પર્વો જીવનને ઉજજાસમય બનાવી. ઉન્નતિનાં માર્ગે લઈ જવાની પ્રેરણા આપે છે. પ્રકાશનું આ પર્વ દીપોત્સવ પણ તમસો માં જયોતિર્ગમય એટલે કે અંધકારમાંથી અજવાળા તરફ જવાનું દિશા સૂચન કરે છે. તમસોમાં જયોતિર્ગમય…. ઉંડા, અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા…
ભગવાન શ્રી રામ ૧૪ વર્ષનાં વનવાસ પછી રાવણવધ કરી લંકા પર વિજય બાદ અયોધ્યા નગરીમાં પરત થયા. અયોધ્યાવાસીઓમાં આનંદ વ્યાપી ગયો. ભગવાન શ્રી રામનો વિજયોત્સવ મનાવવા, એમનાં ઓવારણા લેવા, અયોધ્યાવાસીઓએ પુરી નગરીમાં અસંખ્ય દીવડા પ્રગટાવ્યા. તે દિન દિપાવલીનો હોઈ, તેની યાદમાં આજે આ દિવાળીનું પર્વ ઉજવવામાં આવે છે. આમ આસુરી શકિત પર દૈવી શકિતનો વિજય એટલે દિવાળી.
દિપાવલી એ લક્ષ્મીજીનો જન્મ દિવસ છે. આ દિને શુભ મૂહુર્ત જોઈને ગણેશ, લક્ષ્મી અને સરસ્વતી માતાનું પૂજન કરવામાં આવે છે. કોઈ પણ પૂજા ગણેશજીની સ્થાપનાવિના અપૂર્ણ છે. તેથી સૌ પ્રથમ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી મંત્રોચ્ચા દ્વારા આહવાન કરવામાં આવે છે. જીવનમાં ધન, વૈભવ, સંપત્તીની પ્રાપ્તી માટે લક્ષ્મીજીની આશિષ આવશ્યક છે.તેથી મા લક્ષ્મીજીની પણ સ્થાપના કરવામાં આવે છે. સાથે મા સરસ્વતીની સ્થાપના કરી એક સાતે ત્રણેય દેવી દેવતાનું ષોડશોપચારે પૂજન કરવામા આવે છે. ઘરમાં રાખેલા સોના-ચાંદીના સિકકા,મૂર્તિ, દાગીના વગેરેની પૂજા કરવાનો રિવાજ છે. તો વેપારી વર્ગ પોતાની દુકાનમાં શુભ મૂહૂર્તના ચોઘડીયામાં શ્રી થી ચોપડાનું પૂજન કરે છે. આજના દેશકાળમાં સમયાનુસાર સિકકા મૂકાય છે.
આવા પૂણ્યભીના અને ડાપાળા અવસરે આપણે માનવો બહેકી ન જાય તે માટે એવી સાવધાની પણ ઉચ્ચારવી ઘટે છે. કે, પરમાત્મા તમારો સાથ ન છોડી દે એ માટે આ દિવાળીએ આપણે બધા સમયાતરે, અને બંને તો રોજેરોજ પ્રમાણિકપણે આત્મખોજ કરવાની આદત પાડીએ, અને સંકલ્પ પણ કરીએ. દીવડાં અને દીવેલમાં સમ્રાટ સિકંદરની નનામીના લટકતા હાથનો જે ગૂઢ સંદેશો છે તે તમને દેખાશે ! ‘ જે માણસના જીવનમાં સુખનો સંગ્રહ વધે છે તેનું જીવન વહેલુ નષ્ટ થાય છે ?’ દીવાળીના પર્વમાંથી પ્રકાશના પર્વમાંથી એવો ઉપદેશ નીતરે છે કે, આપણી વેદિક સંસ્કૃતિને આપણે પૂજીએ, જાળવીએ, અને જયાં જયાં અંધકાર હોય ત્યાંથી આપણે સહુ સાથે મળીને ઉજાસ, તેજ, અજવાળાં પ્રતિ પ્રયાણ કરીએ.
સૌ સ્નેહ ભાવે હળતામળતા રહીએ કોઈની ઈર્ષા અદેખાઈ ન કરીએ (મા વિદ્વિષાવહૈ’,
દીવાળીના પર્વની અસલિયત આપણા સમાજમાં પૂ: સજીવન થાય એમાં આ પર્વની સાર્થકતા લેખાશે…
દીવાળી આવે છે. પ્રકાશનું પર્વ આવે છે. આપણી મૂળભૂત સંસ્કૃતિની જાળવણી માટેનું શિરમોર પર્વ આવે છે.
આપણો દેશ, આપણા નેતાઓ, સુકાનીઓ, રાજકર્તાઓ આ દેશનું સડી ચૂકેલું તંત્ર નવો પ્રકાશ પામે અને આત્મખોજની આદત પાડવાની શઆત કરે તો જ આ દિવાળી સાંસ્કૃતિક તવારિખમાં ચિરંજીવ બનશે.