વરસાદી ઋતુમાં ભીના ફયુઝ અથવા સ્વીચને અડકવું નહીં તેમજ ભીના હાથે ગીઝર, વોશિંગ મશીન કે મિક્ષ્ચર વગેરેની સ્વીચ ચાલુ કે બંધ ન કરવી. કોઈપણ વીજ ઉપકરણો જેવા કે પાણીની મોટર, ટેબલ પંખો, ડોલ હીટર વગેરેને ચાલુ સ્થિતિમાં સ્પર્શ ના કરવો. વીજ મીટરને પાણી ન લાગે તેની સાવચેતી લેવી તથા ઘરનાં, દુકાનનાં કે ફેકટરીનાં વાયરીંગને પાણી ના લાગે તેની તકેદારી રાખવી. ઘરનાં વાયરીંગ ખુલ્લા જોઈન્ટ ના રાખશો. આપના આંતરિક વાયરીંગમાં યોગ્ય ક્ષમતાનાં આઈએસઆઈ માર્કાવાળા વીજ વાયર તેમજ વીજ ઉપકરણો જેવા કે એર કંડીશનર, વોશિંગ મશીન, મિક્ષ્ચર, માઈક્રોવેવ કે વોટર હીટર આઈએસઆઈ માર્કાવાળા વસાવવા તથા તે સમયે જુના વીજ વાયરો આ વધારાના સાધનોનો વીજ ભાર લેશે તે સરકાર પ્રમાણિત ઈલેકટ્રીકલ કોન્ટ્રાકટર પાસે ચેક કરાવી જરૂરી લોડ વધારો માંગી સદર સાધનોનો ટેસ્ટ રીપોર્ટ સંબંધિત સ્થાનિક વીજ કચેરીમાં અવશ્ય આપવો.
વીજળીનું વાયરીંગ કે વીજળીના સાધનોનું સમારકામ પોતાની જાતે કરવું નહીં પરંતુ પરવાનેદાર અને જાણકાર વાયરમેન પાસે જ કરાવવું. કનેકશનની મેઈન સ્વીચ બંધ કરી મેઈન ફયુઝ કાઢી અને ત્યારપછી જ કામગીરી કરો. કરારીત વીજ ભાર કરતા વધારે વીજ ભાર જોડેલ હોય તો વીજ વાયરને થતા નુકસાન તથા વીજ અકસ્માત અને શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવો નિવારવા સ્થાનિક વીજ કચેરીમાં અરજી કરી વધારાના વીજ ભારને અધિકૃત કરવો. વીજ સાધનો માટે યોગ્ય ક્ષમતાનાં આઈએસઆઈ માર્કવાળા ફયુઝ, એમસીબી તથા ઈએલસીબીનો ઉપયોગ કરવો તથા વરસાદી સમયે ભેજવાળા વાતાવરણમાં ઘરનાં વીજ સ્થાપનોમાં લગતા વીજ આંચકાઓથી બચવા આઈએસઆઈ માર્કાવાળા ઈએલસીબી સલામતીનાં નિયમાનુસાર ગ્રાહકોએ ફરજીયાત લગાડવી. ઈએલસીબીનાં ઉપયોગ કરવાથી વીજ ઉપકરણોની આંતરીક ખામી અથવા ઈન્સ્યુલેશનની ખરાબીને લીધે વીજ પ્રવાહનાં લીકેજવાળા ઉપકરણોને સ્પર્શ થવાથી લાગતા વીજશોક નિવારી શકાય છે. એમસીબીનાં ઉપયોગ કરવાથી વાયરીંગમાં શોર્ટ સર્કિટ તથા ઓવરકરંટ સામે રક્ષણ મળે છે. વીજ થાંભલાની આજુબાજુ પાણી ભરાયેલ હોય તેની નજીક ઉભા રહેવું નહીં ત્યાં વીજ અકસ્માત થઈ શકે છે.
થાંભલા પરથી આવતી વીજ સર્વિસ લાઈન બાંધવા માટે ઘરની દિવાલ પર એંગલ/ હુંક રાખો. કોઈપણ પ્રકારની દોરી/ વાયર એંગલ સાથે ન બાંધો. સર્વિસ વાયર દિવાલ પર લટકતો ન રાખતા કલેમ્પથી ફીટ કરવો. સર્વિસ વાયર મીટર સુધી બહાર દેખાય તે રીતે ફીટ કરો. વીજતાર/ નેટવર્કથી હંમેશા સલામત અંતર રાખવું. વીજ લાઈન તાર નીચે વૃક્ષ કે વેલ ના વાવો તેમજ વાહનો, ઘાસચારો કે કિંમતી માલ-સામાન ન રાખો. વીજલાઈન નજીક બાંધકામ ચાલતું હોય ત્યારે વીજલાઈનથી સલામત અંતર રાખી કામગીરી કરવી. ડીશ, ટીવી, સીસીટીવી કેમેરાનાં કેબલ વાયર વીજ લાઈન નેટવર્કથી દુર રાખવા, વીજ નેટવર્કથી બાળકો, પ્રાણીઓને સલામત અંતરે રાખો. જો આપે ડીઝલ જનરેટર સેટ/ ઈન્વરટર લગાડેલ હોય તો હંમેશા પ્રમાણભુત કંપનીની ફોર પોલ/ ટુ પોલ ઓટો ચેન્જ ઓવર સ્વીચ અમુક લગાવો જેથી તેના વપરાશ સમયે બેક કરંટને કારણે વીજ અકસ્માત ન થાય. ઘર, દુકાન, કારખાનું વગેરે બંધ રહે ત્યારે મેઈન સ્વીચ બંધ રાખો. શોર્ટ-સર્કિટથી બંધ મકાનમાં આગ લાગવાની સંભાવના છે. વીજળીના તુટેલા તારથી દુર રહો તથા બીજાને દુર રાખો. વીજ કંપનીનાં નજીકનાં ફોલ્ટ સેન્ટરમાં આ બાબતની તુરંત જાણ કરવી.
વીજ સ્થાપનમાં શોર્ટ સર્કિટ કે લીકેજ થાય ત્યારે ફયુઝ તરત જ ઉડી જાય તે માટે વીજ સાધનો જેવા કે મોટર, સ્ટાર્ટર, સ્વીચ વગેરેને પ્રમાણભુત અર્થિગ કરવું જરૂરી છે. આપના ઘર, ઓફિસ, કારખાના પાસે વીજ નેટવર્કમાં સ્પાર્કીંગ થાય ત્યારે તુરંત વીજ કંપનીને જાણ કરો. પોતાની જાતે અનધિકૃત રીતે પાવર મેળવવા અને એક ફીડરમાંથી બીજા ફીડરમાં પાવર લેવાનાં કારણે નિર્દોષ પ્રજાજનો કે વીજ કર્મચારીઓનાં મોતનું કારણ બની શકે છે. આ માટે જાગૃતતા કેળવીને લોકો દ્વારા સચોટ રહી વીજ કચેરીમાં આ બાબતની જાણ કરવી જરૂરી છે. ખેતરોમાં ધાતુનાં તાર વાપરીને વીજ પ્રવાહ પસાર કરવામાં આવતું ફેન્સીંગ ગુનાપાત્ર છે. સ્વહિત ખાતર આવા તારના ફેન્સીંગમાં વિદ્યુત પ્રવાહનો ઉપયોગ અનેક મનુષ્ય/ પશુઓનાં મોતનું કારણ બને છે. આવા લોકેશનોની માહિતી વીજ કચેરીને આપવી જરૂરી છે. જેથી આવા પ્રકારનાં અકસ્માતો નિવારી શકાય.
લાઈન ફોલ્ટમાં હોય કે વ્યકિતગત ફરિયાદ હોય ત્યારે વીજ કચેરીનાં કોલ સેન્ટરમાં જ ફરીયાદ લખાવવી. અધિકારી, કર્મચારીઓને સમયે, કસમયે ફોન કરવાથી તેઓની રૂટીન કામગીરીમાં ખલેલ પહોંચે છે અને સરવાળે ફરિયાદો દુર કરવામાં વિલંબ થાય છે. ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટ-૨૦૦૩ તેમજ સેન્ટ્રલ ઈલેકટ્રીસીટી ઓથોરીટી-૨૦૧૦ તથા સપ્લાય કોડની જોગવાઈ મુજબ અને જીઈઆરસીનાં માર્ગદર્શન મુજબ ઉપરોકત બાબતોની જાળવણી ગ્રાહકોએ રાખવાની હોય છે.
સ્ટાફની અછત: ફિલ્ડમાં આવતા કર્મચારીઓને સહયોગ આપવાની જીબીયાની અપીલ
સ્ટાફની અછતનાં કારણે જરૂરી કામગીરીઓ થઈ શકતી નથી. આથી લોકો ગ્રાહકોનો રોષનો ભોગ ફિલ્ડનાં કર્મચારીઓ, અધિકારીઓ બનતા હોય છે. જીઈબી એન્જીનીયર્સ એસોસીએશન સમાજનાં સર્વે નાગરિકોને હાર્દિક અપીલ કરે છે કે વીજ કચેરીનાં અધિકારીઓ, કર્મચારીઓ ઉપર હુમલાઓ ના કરે, તેમની સાથે ગેરવર્તન ના કરે, સારું વર્તન કરે કારણકે સતત વીજ પુરવઠો પુરો પાડવા માટે વીજ કર્મચારીઓ સતત પ્રયત્નો કરતા જ હોય છે. ઘણીવાર ઈન્સ્ટોલેશન ચેકિંગ, ડીશ કનેકશન, મેઈન્ટેનન્સ કામગીરી સબ ડીવીઝનની કામગીરી વગેરે કામગીરી વીજ કર્મચારીઓ તેના ફરજનાં ભાગરૂપે કરતા હોય છે. તેમની સાથે ગેરવર્તન કરી હુમલાઓ કરવા સદંતર ગેરવ્યાજબી છે. તેમને જે કઈ સગવડતા મળતી હોય તે મુજબ તેઓ કામગીરી કરી શકે છે. તાજેતરમાં નેટવર્ક કરારીત વીજભાર કરતા અનધિકૃત વીજભાર વધવાને લીધે વીજ અકસ્માત, શોર્ટ સર્કિટથી આગ લાગવાનું, પ્રાયવેટ પ્રીમાઈસીસમાં વીજ અકસ્માત વગેરે પ્રકારનાં બનાવોનું પ્રમાણ વધતું જણાય છે. આવા બનાવો બને ત્યારે વ્યકિતગત વીજ અધિકારી કર્મચારીઓને જવાબદાર ઠેરવી તેમના ઉપર ફોજદારી કે કાયદાકીય પગલાઓ લેવામાં આવેલ છે તેનો જીબીયા સખત વિરોધ કરે છે. આટલા મોટા તંત્રમાં કોઈની વ્યકિતગત જવાબદારી કઈ રીતે ગણી શકાય ? ગ્રાહકની પોતાની ભુલ, કુદરતી કારણોસર દુર્ઘટના બનતી હોય ત્યારે વ્યકિતગત રીતે કોઈ કર્મચારીને દોષિત ઠેરવી શકાય નહીં. આ બાબતે સરકાર અને મેનેજમેન્ટ દ્વારા યોગ્ય પગલાઓ લેવા અત્યંત જરૂરી છે. સરકાર દ્વારા જરૂરી કાયદાઓમાં ફેરફાર કરી કર્મચારીઓને રક્ષણ આપવું જરૂરી છે તેમ જીબીયાનાં સેક્રેટરી જનરલ બી.એમ.શાહની યાદીમાં જણાવાયું છે.