માધાપર ચોકડીએ ઓવરબ્રીજ બનાવવા રાજયના નાયબ મુખ્યમંત્રી અને ગોંડલ રોડ ચોકડીએ બ્રીજ બનાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાને પત્ર લખ્યો: ગ્રીન લેન્ડ ચોકડી નજીક આરટીઓ પાસે ઓવરબ્રીજ નીચે અંડરપાસ બનાવવા પણ રજુઆત
સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટમાં દિનપ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જામનગર રોડ પર માધાપર ચોકડી ખાતે અને ગોંડલ રોડ ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ બનાવવા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર પાઠવી રજુઆત કરી છે. આ ઉપરાંત અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે પર ગ્રીનલેન્ડ ચોકડીથી પસાર થઈ રહેલા આરટીઓ નજીકના ફલાય ઓવરબ્રીજ નીચે એક અંડરપાસ બનાવવા પણ માંગણી કરવામાં આવી છે.
કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે, વહાણ, કેમિકલ અને ફર્ટીલાઈઝર મંત્રી મનસુખભાઈ માંડવીયાને લખેલા પત્રમાં મેયરે જણાવ્યું છે કે, રાજકોટના પ્રવેશદ્વાર સમાન ગોંડલ ચોકડી પર ખુબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા રહે છે જેના કારણે લોકોનો સમય અને ઈંધણનો બગાડ થાય છે અને અકસ્માતોના બનાવો પણ બને છે. પોરબંદર, સોમનાથ, જુનાગઢ, ગોંડલ તરફથી આવતા વાહનો અમદાવાદ તરફ જવા માટે રાજકોટ બાયપાસ નીકળવા માટે પણ ગોંડલ ચોકડીથી પસાર થવું પડે છે.
તાજેતરમાં કોઠારીયા અને વાવડીનો મહાપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. શહેરની ૧૫ કિ.મી.ના અંતરે શાપર-વેરાવળમાં પણ મોટી ઔધોગિક વસાહત હોવાના કારણે શહેરમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં લોકો અપડાઉન કરે છે જેના કારણે ગોંડલ ચોકડી પર ટ્રાફિકનું ભારણ ખુબ જ વધી જાય છે. અહીં નેશનલ હાઈવે રોડ પર ઓવરબ્રીજ હયાત છે જે ગોંડલ ચોકડીએ પૂર્ણ થતો હોય. જેથી આ આરોબી ચોકડી ઉપરથી લંબાવવામાં આવે તો મહદઅંશે ટ્રાફિકની સમસ્યા હલ થઈ જાય તેમ છે. ગોંડલ રોડ ચોકડીનો બ્રીજ ૩૦ મીટર દૂર લંબાવવા માટે તેઓએ માંગણી કરી છે.
આ ઉપરાંત તેઓએ અમદાવાદથી રાજકોટ નેશનલ હાઈવે પર ગ્રીન લેન્ડ ચોકડીથી પસાર થઈ રહેલા આરટીઓ નજીકના ફલાય ઓવરબ્રીજની નીચે એક અંડરપાસ બનાવવા પણ કેન્દ્રીય મંત્રી સમક્ષ રજુઆત કરી છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને મેયરે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, દ્વારકા, જામનગર તરફથી આવતા વાહનોએ અમદાવાદ જવા માટે રાજકોટ બાયપાસ, બીજા રીંગ રોડ પરથી પસાર થવા માટે માધાપર ચોકડી પરથી નિકળવું પડે છે. જેના કારણે અહીં માધાપર ચોકડીએ મોટાપ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા દિવસભર રહે છે.
મહાપાલિકાની બીઆરટીએસ સેવા હાલ માધાપર ચોકડી સુધી છે. નવા રીંગ રોડ પર વસાહત વધતી જાય છે. જેના કારણે બીઆરટીએસ ‚ટ ભવિષ્યમાં આગળ રીંગ રોડ તરફ વધારવાની જ‚રીયાત રહેશે. જેના કારણે માધાપર ચોકડી પર પણ ફલાય ઓવરબ્રીજ બનાવવાનો આવશ્યક છે. શહેરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય દ્વારા શહેરમાં અલગ-અલગ ત્રણ સ્થળોએ માધાપર ચોકડી, ગોંડલ રોડ ચોકડી ખાતે ફલાય ઓવરબ્રીજ બનાવવા અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે અંડરબ્રીજ નીચે અંડરપાસ બનાવવા કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને રજુઆત કરી છે.