મમરાને પાણીમાં પલાળીને બનતો આ નાસ્તો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરળ છે. ફટાફટ તૈયાર થઈ જાય અને વળી નાના મોટા બધાને જ ભાવે એવો સ્વાદ. મમરાની આ ચટપટી ડિશ આપ નાસ્તામાં કે જમવામાં પીરસી શકો.
સામગ્રી :
- 8 થી 10 વાડકા સાદા મમરા
- 3 ચમચી તેલ
- 1/2 ચમચી રાઈ
- 1/2 ચમચી જીરું
- 1/2 ચમચી હિંગ
- 1 ડુંગળી, બારીક સમારેલી
- 1 નાનું ટામેટું , બારીક સમારેલું
- થોડા લીમડા ના પાન
- 1 ચમચી ખમણેલું આદુ
- મીઠું
- 1 ચમચી લાલ મરચું
- 1/2 ચમચી હળદર
- 1 ચમચી ધાણજીરું
- 3 ચમચી બારીક સમારેલી કોથમીર
- અડધા લીંબુ નો રસ
રીત :
સૌ પ્રથમ મમરા ને મોટી ચાયણી માં ચાળી લો. ચાળવા થી મમરા ની જીણી ધૂળ નીકળી જાશે.
હવે મોટા તપેલામાં પાણી લઈ મમરા એમાં પલાળી દો. આપ જોઈ શકશો પાણી આખું ધૂળ વાળું થઈ જશે. પલાળેલા મમરાને હળવા હાથે હેન્ડલ કરવા નહીં તો ભૂકો થઈ જશે. ત્યારબાદ મમરાને ચાયણીમાં નીતરી લેવા. કડાયમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં રાઈ અને જીરું ઉમેરો. રાઇ અને જીરું સરસ રીતે શેકાય જાય એટલે એમાં લીમડો અને હિંગ ઉમેરી બારીક ડુંગળી , ટામેટા અને આદુ ઉમેરો.
ડુંગળી જ્યાં સુધી એકદમ શેકાયને પારદર્શક ના બને ત્યાં સુધી મધ્યમ આંચ પર શેકો. ત્યારબાદ એમાં મીઠું , હળદર , લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.
બરાબર મિક્ષ કરી એકાદ મિનિટ શેકો. ત્યારબાદ એમાં નિતરેલા મમરા ઉમેરો. ધ્યાન રહે મમરા ને ઓછામાં ઓછી 15 મિનિટ માટે નિતારવા. ત્યારબાદ એમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. એકાદ મિનિટ માટે શેકો અને ગેસ બંધ કરી ઢાંકી દો.
2 મિનિટ બાદ સરસ મિક્સ કરી ગરમ ગરમ પીરસો.. આપ ચાહો તો ડુંગળી, ટામેટા, આદું વગર પણ બનાવી શકો . સાદા પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.