દરેક વ્યક્તિઓને અલગ- અલગ વાનગીઓ ખાવાના શોખીન હોય છે. તો સાથોસાથ તહેવારોમાં તો વાનગીઓનું મહત્વ વધી જાય છે. તેમજ થોડા દિવસોમાં જ શ્રાવણ મહિનો શરૂ થવાનો છે. તો તેની સાથોસાથ કેટલાક તહેવારો પણ શરૂ થશે. દરેક તહેવારની પોતાની અલગ- અલગ વાનગીઓ હોય છે. જેમાં તમે રક્ષાબંધનના તહેવાર પર આ સ્વાદિષ્ટ વાનગી ટ્રાય કરો.
રાજસ્થાનની એક પરંપરાગત મીઠાઈ છે. જે ખાસ કરીને ત્રીજ અને રક્ષાબંધનના તહેવાર પર ખાવામાં આવે છે. આ વાનગીનું નામ છે ઘેવર. જાલીદાર ઘેવરનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ સ્વીટ વાનગીનો સ્વાદ બાળકો તેમજ પુખ્ત વયના લોકોને ખૂબ જ પસંદ આવે છે. જો તમારા ઘરે ઘેવર બધાને ભાવે છે. તો આ શ્રાવણમાં તૈયાર કરો અને હલવાઈની જેમ જાળીવાળા ઘેવરને ખાઓ. ચાલો જાણીએ શું છે તેની રેસિપી.
ઘેવર બનાવવા માટેની સામગ્રી :
- 2 કપ લોટ
- 1/2 કપ ઠંડુ દૂધ
- 1/2 કપ દેશી ઘી
- 1 કપ ખાંડ
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી સૂકા ફળોનો રસ
- 1/4 ચમચી એલચી પાવડર
- બરફના થોડા ટુકડા
- 3-4 કપ ઠંડુ પાણી
- તળવા માટે ઘી
ઘેવર બનાવવાની રીત
ઘેવર બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ ઘી લઈ લો. તેમાં થોડા બરફના ટૂકડા નાખી હાથ વડે બરોબર મિક્સ કરો . ત્યારબાદ ૮-૧૦ મિનિટ જ્યાં સુધી સફેદ રંગનું થઈ જાય ત્યાં સુધી બરફથી તેને મિક્સ કરતા રહો. પછી તેમાંથી બરફ કાઢી લો. ત્યારબાદ ઘીના મિશ્રણમાં 2 કપ મેંદોનો લોટ નાખી હાથ વડે બરાબર મિક્સ કરો. ઘી અને મેંદો બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં અડધો કપ ઠંડું દૂધ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેમાં 1 કપ ઠંડુ પાણી ધીમે- ધીમે નાખતા જાવ અને મિશ્રણને બરોબર હલાવતા જાવ. જેથી લોટના ગઠ્ઠાના રહે. ત્યારબાદ તેમાં લીંબુ નાખી તેને બરોબર મિક્સ કરી લો.
હવે એક કડાઈમાં ઘી ગરમ કરો. જ્યારે ઘી ગરમ થઈ જાય. ત્યારે યોગ્ય અંતર જાળવીને 2 ચમચી ઘેવરનું બેટર ઉમેરો. આમ કરવાથી બેટર અલગ થઈ જશે. પાતળા પ્રવાહમાં વધુ 2 ચમચી બેટર રેડો. આ પ્રક્રિયાને 10 થી 15 વખત પુનરાવર્તિત કરો. બેટર રેડતી વખતે ખાતરી કરો કે ઘેવરની મધ્યમાં એક છિદ્ર છે.
હવે ગેસની આંચને ધીમી કરો અને ઘેવરને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. આ પછી ઘેવરને પ્લેટમાં કાઢી લો. ત્યારબાદ ઘેવરની ચાસણી બનાવવા માટે એક વાસણમાં 1 કપ ખાંડ અને 1/4 કપ પાણી ઉમેરો અને તેને ગરમ કરવા રાખો. જ્યારે ચાસણી 2 તાર લાંબી થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. જ્યારે ચાસણી તૈયાર થઈ જાય. ત્યારે તૈયાર કરેલા ઘેવરને થોડીવાર ચાસણીમાં ડુબાડી રાખો. આ પછી ઘેવરને ચાસણીમાંથી બહાર કાઢો અને ઉપર ડ્રાયફ્રુટના ટુકડા રાખો. હવે તૈયાર છે તમારું ટેસ્ટી ઘેવર.