ઘરે ક્રિસમસની પાર્ટી હોયને ડેસર્ટ શું બનવું એ વિચાર તો ખૂબ જ પરેશાન કરે એમાં પણ જો કેકનો વિચાર આવે તો એગલેસ કેક કઈ રીતે બનાવીએ ખૂબ પ્રશ્ન સતાવે છે તો ચાલો આજે આપણે રેડ વેલ્વેટ કેક બનાવી જે આપશે પાર્ટીમાં અનોખો લૂક…
સામગ્રી :
રેડ વેલ્વેટ સ્પંજ માટે
૧ કપ મેંદો
૧/૨ ટીસ્પૂન બેકીંગ પાવડર
૧/૪ ટીસ્પૂન બેકીંગ સોડા
૧ ૧/૨ ટેબલસ્પૂન કોકો પાવડર
૧/૨ કપ પીગળાવેલું માખણ
૧/૨ કપ કન્ડેન્સ્ડ મીલ્ક
૧/૨ ટીસ્પૂન વેનિલા એસેન્સ
૧/૪ કપ દહીં
૩/૪ ટીસ્પૂન ખાવા યોગ્ય લાલ રંગ
ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગ માટે
૧ કપ ક્રીમ ચીઝ
૫ ટેબલસ્પૂન મીઠા વગરનું નરમ માખણ
૧ કપ પીસેલી સાકર
સાકરની ચાસણી માટે
૧/૪ કપ સાકર
બીજી જરૂરી વસ્તુઓ
૩થી ૪ ટીપા ખાવા લાલ રંગ
૧ ટીસ્પૂન ખાવા યોગ્ય રંગીન સ્ટાર
૧ ટીસ્પૂન ખાવા યોગ્ય ચાંદીના બોલ
એક બાઉલમાં મેંદો, બેકીંગ પાવડર, બેકીંગ સોડા અને કોકો પાવડરને ચારણી વડે ચારી લીધા પછી બાજુ પર રાખો. બીજા એક ઊંડા બાઉલમાં પીગળાવેલું માખણ, કન્ડેન્સ્ડ મીલ્ક, વેનિલા એસેન્સ, દહીં, ૧/૪ કપ પાણી અને લાલ રંગ મેળવીને તેને રવઇ વડે જેરીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણમાં ધીરે-ધીરે મેંદાનું મિશ્રણ ઉમેરીને તેને ફરીથી ઇલેટ્રીક બીટર વડે જેરીને સુંવાળું ખીરૂં તૈયાર કરો. એક ૧૭૫ મી. મી. (૭”) વ્યાસના ગોળાકાર કેક ટીન પર માખણ ચોપડી તેમાં તૈયાર કરેલું ખીરૂં નાંખીને ટીનને હલકા હાથે થપથપાવીને સમતલ કરી લો. હવે તેને ઑવનમાં ૧૮૦° સે (૩૬૦° ફે) તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરી લો. તે પછી તેને સહેજ ઠંડું થવા બાજુ પર રાખો. હવે તેને ટીનમાંથી કાઢી સંપૂર્ણ ઠંડુ થવા દો.
ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગ માટે
એક ઊંડા
બાઉલમાં ક્રીમ ચીઝ અને માખણ મેળવી ઇલેટ્રીક બીટર ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર
કરો. તે પછી તેમાં ધીર-ધીરે સાકર મેળવી ફરીથી બીટર
વડે સુંવાળું મિશ્રણ બનાવી લો. આ મિશ્રણને ઢાંકીને રેફ્રીજરેટરમાં ૩૦ મિનિટ
સુધી રાખી મૂકો.
સાકરની ચાસણી માટે
એક માઇક્રોવેવ
સેફ બાઉલમાં ૧/૪ કપ પાણી સાથે સાકર મેળવી માઇક્રોવેવના ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી
ગરમ કરી લીધા પછી સારી રીતે મિક્સ કરીને બાજુ પર રાખો.
આગળની રીત
તૈયાર કરેલા રેડ વેલ્વેટ સ્પંજ કેકને સપાટ સૂકી જગ્યા પર મૂકી તેના ૨ આડા ભાગ પાડી બાજુ પર રાખો.આ બન્ને ભાગને એક સપાટ સાફ જગ્યા પર મૂકી તે બન્ને ભાગ પર તૈયાર કરેલી સાકરની ચાસણી સરખી રીતે પાથરી લો. તે સ્પંજના નીચેના ભાગ પર ૧/૨ કપ તૈયાર કરેલું ક્રીમ ચીઝ ફ્રોસ્ટીંગ સરખી રીતે પાથરી લો. તે પછી તેની પર બીજો ભાગ એવી રીતે મૂકો કે ચાસણીવાળી બાજુ ઉપર રહે, પછી તેને હલકા હાથે દબાવી લો. હવે તેની ઉપર અને સાઇડની કીનારીઓ પર ૧ કપ જેટલું તૈયાર કરેલું ક્રીમ ચીઝનું ફ્રોસ્ટીંગ પૅલેટ છરી વડે પાથરી લો. હવે બાકી રહેલા ક્રીમ ચીઝના ફ્રોસ્ટીંગમાં ખાવા યોગ્ય લાલ રંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ તૈયાર થયેલા ફ્રોસ્ટીંગને એક સ્ટાર નૉઝલ લગાડેલી પાઇપીંગ બેગમાં મેળવી લો. આ પાઇપીંગ બેગ વડે કેકની કીનારીઓ પર તમારી મનગમતી ડિઝાઇન પાડો. પછી કેકની મધ્યમાં પણ આ પાઇપીંગ બેગ વડે સમાન અંતરે થોડા સ્વર્લ (swirl) બનાવો. હવે તેની પર ખાવા યોગ્ય રંગીન સ્ટાર અને ચાંદીના બોલ ભભરાવી લો. પછી તેને ઓછામાં ઓછું ૧ કલાક રેફ્રીજરેટરમાં રાખી મૂકો. છેલ્લે તેને ૬ ટુકડામાં કાપી ઠંડું પીરસો.