પી.એમ. વિશ્વકર્મા કોશલ યોજના પોસ્ટ બજેટ વેબિનારઓ વડાપ્રધાને આપ્યું વચ્યુંઅલ માર્ગદર્શન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ પી.એમ. વિશ્વકર્મા કૌશલ સમ્માન યોજના અંગેના પોસ્ટ બજેટ વેબિનારમાં દેશભરના કલાકારોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, હસ્તકલા થકી રોજગારી મેળવતા અસંગઠિત કારીગરોને પી.એમ. વિકાસ યોજના થકી મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડી મહિલાઓ, અંતરિયાળ વિસ્તારના લોકોને મિશન મોડમાં બળ પૂરું પાડવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના થકી કારીગરોને આર્થિક ઉપાર્જન સાથે રાષ્ટ્રના વિકાસમાં સહભાગી થવાનો અવસર પણ સાંપડશે.
એમ.એસ.એમ.ઈ. વિભાગ દ્વારા વિવિધ હસ્તકલા સાથે સંકળાયેલા લોકોને પી.એમ. વિકાસ યોજના અંગે માહિતગાર કરવા તેમજ કારીગરોને તેમના ક્ષેત્રમાં પડતી મુશ્કેલીઓ અંગે ફીડબેક લેવા માટે ચાર તબક્કામાં વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કાના પ્રારંભે પ્રધાનમંત્રીએ પ્રવચન આપ્યું હતું.
વેબિનારના પ્રારંભે એમ.એસ.એમ.ઈ. વિભાગના સચિવ તેમજ આસિસ્ટન્ટ સેક્રેટરી ડો. રજનીશે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજુ કરી હતી. કાર્યક્રમના પહેલા ચરણમાં ઓછા વ્યાજ દરે ઉપલબ્ધ લોન, ડિજિટલ વ્યવહારો અને સામાજિક સુરક્ષા, બીજા ચરણમાં અદ્યતન કૌશલ્ય પ્રશિક્ષણ અને આધુનિક સાધનો અને ટેકનોલોજીની ઉપલબ્ધતા, ત્રીજા ચરણમાં સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ માર્કેટિંગ સહયોગ જયારે ચોથા ચરણમાં યોજનાનું માળખું, લાભાર્થીઓની ઓળખ તેમજ યોજનાના અમલીકરણ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ વેબિનારમાં રાજકોટ કલેકટર કચેરી ખાતે 80 થી વધુ કલાકારોએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું. આ તકે એમ.એસ.એમ.ઈ. – અમદાવાદ ડી.એફ.ઓ. ના સહાયક નિયામક એસ.ડી. રામાવત, ઇન્વેસ્ટીગેટર રાજેશ કુમારે કલાકારો સાથે પરામર્થ કરી વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ રાજ્ય સરકારની ઉદ્યોગોને પ્રોત્સાહન સંબંધી વિવિધ યોજનાઓની માહિતી આપી તેમજ કલાકારોને મુંઝવતા પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વેબીનાર હસ્તકલા કારીગરો માટે ભવિષ્યના પથદર્શક જેવું સફળ બની રહ્યું છે.