• છેતરપીંડીના કિસ્સા વધતા કાયદા પંચ હરકતમાં : લગ્ન નોંધણી ફરજિયાત કરવાની સાથે છૂટાછેડા, ભરણપોષણ અંગેની જોગવાઈ પણ કરવાની હિમાયત

National News : NRI લોકો લગ્ન માટે ભારતમાં વસતા લોકો પ્રત્યે અપેક્ષા રાખે છે. જો કે આવા લગ્નોમાં છેતરપીંડીના બનાવો ખૂબ વધી રહ્યા હોય કાયદા પંચે કડક કાયદો બનાવવાની ભલામણ કરી છે.

marrige with NIR

બિનનિવાસી ભારતીયો અને ભારતીય નાગરિકો વચ્ચે થતાં લગ્નમાં વધતી જતી છેતરપિંડીને ચિંતાજનક ગણાવીને ભારતીય કાયદા પંચે આવી સ્થિતિનો સામનો કરવા માટે એક વ્યાપક કાયદો ઘડવાની અને એવાં લગ્નોની અનિવાર્યપણે નોંધણી કરાવવાની ભલામણ કરી છે. કાયદા પંચના અધ્યક્ષ ન્યાયમૂર્તિ (નિવૃત) ઋતુરાજ અવસ્થિએ કાયદા પંચને ’બિનનિવાસી ભારતીયો અને ભારતના પ્રવાસી નાગરિકો સંબંધિત લગ્નના મુદ્દા પરનો કાયદો’ નામનો એક રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં આ ભલામણ કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર, પંચનો મત છે કે પ્રસ્તાવિત કેન્દ્રીય કાયદો, બિનનિવાસી ભારતીયો (એનઆરઆઇ) અને ભારતીય મૂળના પ્રવાસી વિદેશી નાગરિકો (ઓસીઆઇ)નાં ભારતીય નાગરિકો સાથેનાં લગ્ન સાથે સંકળાયેલાં બધાં પાસાં માટે પૂરતા પ્રમાણમાં વ્યાપક હોવા જોઈએ. પૂર્વ ન્યાયમૂર્તિ અવસ્થિએ ગુરુવારે કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલને લખેલા કવરિંગ લેટરમાં કહ્યું, એનઆરઆઇ અને ભારતીય નાગરિકો વચ્ચે થતાં લગ્નોમાં વધતી જતી છેતરપિંડીની પ્રવૃત્તિ ચિંતાજનક છે. ઘણા રિપોર્ટ એવી પ્રવૃત્તિ ઉજાગર કરે છે જેમાં લગ્ન એક છેતરપિંડી સાબિત થાય છે, જેનાથી ભારતીય પતિ પત્નીઓ, ખાસ કરીને મહિલાઓને અનિશ્ચિત પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

અવસ્થિએ કહ્યું કે એવી પણ ભલામણ કરવામાં આવે છે કે એનઆરઆઇ કે ઓસીઆઇ અને ભારતીય નાગરિકો વચ્ચે થયેલાં બધાં લગ્નને ભારતમાં ફરજિયાતપણે નોંધાવવા જોઈએ. તેમણે કહ્યું કે વ્યાપક કેન્દ્રીય કાયદામાં છૂટાછેડા, જીવનસાથીના ભરણપોષણ, બાળકોની સુરક્ષા અને ભરણપોષણ, એનઆરઆઇ તથા ઓસીઆઇને સમન, વોરંટ કે ન્યાયિક દસ્તાવેજનો અમલ કરવાની જોગવાઈ પણ સામેલ હોવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.