રાજકોટ બાદ હવે જામનગરને પણ હરિયાળું બનાવવાનો સોનેરી સંકલ્પ: વિનામુલ્યે વૃક્ષ વાવવા મો.નં. ૬૩૫૪૮૦૨૮૪૯

સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ અને સદ્ભાવના ગ્રુપ-જામનગર દ્વારા ’ગ્રીન જામનગર’ અભિયાન હેઠળ શહેરને હરિયાળુ બનાવવાનો નિર્ધાર કરાયો છે. જે માટે જામનગર શહેરમાં આ ચોમાસાની સીઝન દરમિયાન શહેરમાં વિવિધ સ્થળોએ હજારો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.

સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ (વિજયભાઈ ડોબરિયા) અને સદ્ભાવના ગ્રુપ-જામનગર (ધર્મરાજસિંહ જાડેજા) એ આ પર્યાવરણલક્ષી નવતર અભિયાન હેઠળ જામનગરને હરિયાળુ અને રળિયામણું બનાવવાનું બીડુ ઝડપ્યું છે. જેના માટે આ અભિયાનના આયોજકોએ શહેરના લોકોને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો છે. આ અભિયાનની ખાસ વાત એ છે કે, આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોએ કોઈપણ જાતનો ખર્ચ કરવાનો નથી. જામનગર શહેરને વધુ હરિયાળુ બનાવવા સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ અને સદ્ભાવના ગ્રુપ-જામનગર દ્વારા જામનગર શહેરમાં વિનામૂલ્યે (બિલકુલ મફત) આપના ઘરે અથવા ઓફિસે વૃક્ષારોપણ કરી આપવામાં આવશે.

આજના જમાનામાં દિન-પ્રતિદિન ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વધતી જાય છે જેના કારણે આપણા સામાન્ય જનજીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાં ઓક્સિજનની માત્રા અને ક્વોલિટીમાં ફરક પડવો, ઉનાળા દરમિયાન અતિશય ગરમી સહન કરવી… આ બધી સમસ્યા હાલના સમયમાં આપણે કરવી પડી રહી છે. ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના વ્યક્તિઓ આવી સમસ્યાઓથી ખાસા એવા પ્રભાવિત થતા હોય છે. જામનગરમાં પણ છેલ્લા કેટલાય સમયથી ગરમીમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સદ્ભાવના વૃદ્ધાશ્રમ-રાજકોટ અને સદ્ભાવના ગ્રુપ-જામનગર દ્વારા જામનગર શહેરને હરિયાળુ બનાવવા નવતર પર્યાવરણલક્ષી અભિયાન શરૃ કર્યું છે. જામનગર શહેરમાં આપની ઓફિસની બહાર અથવા આપના ઘરના આંગણે કે ઘરની બહાર વિનામૂલ્યે વૃક્ષ વાવવા માટે વ્હોટ્સએપ નંબર ૭૦૧૬૧ ૧૧૯પપ પર પૂરૃં નામ, સરનામું અને મોબાઈલ નંબર મોકલી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ ઉપરાંત ૬૩પ૪૮ ૦ર૮૪૯ મોબાઈલ પર ફોન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

રજિસ્ટ્રેશન માટેનો સમય સવારે ૯ થી સાંજના ૭ નો રહેશે. તારીખ ૧ જુલાઈ ર૦ર૦ સુધી જ રજિસ્ટ્રેશન થશે. રજિસ્ટ્રેશનની કામગીરી પૂર્ણ થાય પછી ઘરે અથવા ઓફિસે સંસ્થા દ્વારા વિનામૂલ્યે વૃક્ષારોપણ કરી આપવામાં આવશે. ૧૦ ફૂટનો રોપ આપવામાં આવશે અને રોપની સાથે પિંજરૃ અને જાળી પણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.