માહિતી ખાતાના ડોમમાં રાજ્યની 20 વર્ષની વિકાસયાત્રા નિહાળતા મુલાકાતીઓ
રાજકોટમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આઝાદીનો અમૃત લોકમેળો એ માત્ર શહેર જ નહીં, પણ સમગ્ર સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે, જેમાં લાખો લોકો આનંદ માણવા ઉમટી રહ્યા છે. અહીં મનોરંજન સાથે માહિતી મળે અને લોકો મેળાની સ્મૃતિઓને મોબાઇલના કેમેરામાં કંડારીને, એ સ્મૃતિને કાયમી સાચવી શકે તેવું વિશિષ્ટ આયોજન તંત્રએ કર્યું છે. મેળા મધ્યે આવેલા માહિતી ખાતાના ડોમમાં બનાવાયેલી સ્ટેચ્યૂ ઑફ યુનિટી તેમજ નડાબેટની આબેહૂબ પ્રતિકૃતિ પર સેલ્ફી લેવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.રાજકોટના લોકમેળામાં માહિતી નિયામકશ્રીની કચેરી દ્વારા મનોરંજન સાથે માહિતી આપતા વિશિષ્ટ ડોમનું નિર્માણ કરવામાં આવેલું છે. મેળામાં મહાલતા લાખો લોકો પણ આ ડોમની મુલાકાત લે છે. જેમાં રાજ્યની 20 વર્ષની વિકાસયાત્રાની ગાથા નિહાળે છે. એટલું જ નહીં, ગુજરાતનું વિશ્વ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ સ્ટેચ્યૂ ઑફ યુનિટી તેમજ સરદાર સરોવર ડેમની પ્રતિકૃતિ બનાવાયેલી છે. ગુજરાત રાજ્યના આ ગૌરવપૂર્ણ પ્રવાસન સ્થળ નિહાળીને લોકો આનંદ તો પામે છે, સાથે સેલ્ફી લેવા પણ ધસારો કરે છે. આ ઉપરાંત અહીં નડા બેટની ઈન્ડો-પાક બોર્ડરની પ્રતિકૃતિ પણ નિર્માણ કરાઈ છે. જ્યાં પણ લોકો ગૌરવભેર સેલ્ફી તેમજ ફોટો પડાવીને પોતે દેશની બોર્ડરના દર્શન કર્યા હોય એવો અહેસાસ કરે છે.આ મેળામાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ લોકો મેળવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની અમૃત યોજનાઓની માહિતી પણ લોકોને પુસ્તિકા મારફત આપવામાં આવે છે. મેળામાં હર ઘર તિરંગા થીમ પરની પ્રતિકૃતિ બનાવાઈ છે. જેમાં ઘર આંગણે વાસ્તવિક તિંરગો લહેરાય છે. લોકો આન-બાન અને શાન સાથે લહેરાતા તિરંગા સાથે ફોટો સેલ્ફી પડાવીને દેશભાવના વ્યક્ત કરે છે. મનોરંજન સાથે માહિતી આપતો આ સ્ટોલ મેળાના લાખો મુલાકાતીઓનું આકર્ષણ કેન્દ્ર બન્યો છે.