માણસના જીવનમાં રંગો ભરાવા આ મકરસંક્રાતિ પોષ મહિનામાં આવે છે અને મકર રાશિમાં સૂર્ય પ્રવેશે છે, તેથી આ ઉત્સવને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે. આ ક્રાંતિ માણસના જીવનમાં આનંદની ક્રાંતિ કહી શકાય છે. આ દિવસે લોકોના જીવનમાં ઉત્સાહ અને ઉમંગ હોય છે અને સાથે સાથે માણસમાં ચૈતન્યની ભરપૂર કરે છે.
સૂર્ય એની આસપાસની પરિભ્રમણની દિશા બદલે છે, એ સહેજ ઉત્તર તરફ ખસતો જાય છે, તેથી તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. કર્મયોગી સૂર્ય પોતાના ક્ષણિક પ્રમાદને ખંખેરીને અંધકાર ઉપર આક્રમણ કરવાનો આ દિવસ છે. આ દિવસથી અંધારું ધીરે ધીરે ઘટતું જાય છે. દેવોથી માંડી માનવ માત્ર ઊંઘમાંથી જાગે છે અને ત્યાર પછી માણસ સારા કાર્યો કરવા માટે શુભ દિવસોની શરૂઆત કરે છે.
ઉતરાયણને મકરસંક્રાંતિ પણ કહેવામાં આવે છે મકરસંક્રાંતિ એટલે પ્રકાશનો અંધકાર ઉપર વિજય. આજે આધુનિક યુગમાં માણસનું જીવન અંધકારમય બન્યું છે, ત્યારે તેના ઉપર વિજયનું કિરણ એ ઉતરાયણ છે, તે માણસના જીવનમાંથી આળસ કાઢે છે, એટલે કે માણસમાંથી અજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા, જડતા વગેરે અંધકારમય દૂર કરી પ્રકાશ પાથરે છે. મકરસંક્રાંતિમાં સંક્રાંતિ એટલે સમયક ક્રાંતિ. સંક્રાંતિ એટલે સંઘ ક્રાંતિ. આ દિવસે સંગ મુક્ત થવાનો સંકલ્પ માણસોએ કરવો જોઈએ. જીવનમાંથી કામ, ક્રોધ, લોભ, મોહ,મદ વગેરે વિકારોની અસરમાંથી શક્ય હોય એટલા મુક્ત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સંક્રાંતિને બીજા અર્થમાં સંઘ ક્રાંતિ પણ કહી શકાય. કોઈ પણ મહાન કાર્યમાં સંગઠનની જરૂરિયાત રહે છે. ’સંઘે શક્તિ કલો યુગે’ સંઘમાં વિશિષ્ટ શક્તિ નિર્માણ થાય છે. આ વિશાળ વિશ્વની અંદર કોઈપણ કામ કરવાને માટે એકલો માણસ પૂરતો નથી, તેની શક્તિની મર્યાદા છે, તેને સંઘમાં રહીને કાર્ય કરવું જોઈએ એટલે કે કુટુંબ સાથે હળી મળીને કાર્ય કરવું જોઈએ કારણ કે સંઘમાં વિપુલ પ્રમાણમાં શક્તિ હોય છે, જેનાથી કોઈપણ કઠિન કાર્ય પણ સહજમાં શક્ય બને છે. સંઘમાં રહેલા લોકોના સંબંધો સ્નેહપૂર્ણ અને મધુર હોવા જોઈએ તેથી તો આ આ દિવસે લોકો તલ ગોળના લાડુ એકબીજાને આપે છે, કેમકે તલમાં સીનિગ્ધતાનો ગુણ છે, રૂક્ષ થયેલા માણસના સંબંધમાં તલ અને ગોળની મીઠાશથી કડવાશ જીવનમાંથી દૂર થાય છે.
ઉતરાયણના દિવસે પતંગ ચગાવવાની પ્રથા છે, તેની પાછળનો હેતુ એ છે કે પતંગ ચગાવતા ખુલ્લા મેદાનમાં કે ખુલ્લી જગ્યા પર જવું પડે છે જેનાથી ઠંડીના દિવસોમાં સહજ રીતે માણસને સૂર્ય સ્નાન થઈ જાય છે. આકાશમાં લીલા, પીળા, લાલ વગેરે રંગના પતંગ ઉડતા દેખાય છે, તેમાં વિશ્વના વિશાળ આકાશમાં સત્તાવીરો, શ્રીમંતો, વિદ્વાનો વગેરે અનેક પ્રકારના પતંગ ઉઠતા હોય છે. પતંગની હસ્તી અને મસ્તી ત્યાં સુધી જ રહે ત્યાં સુધી તેનો દોર સૂત્રધારના હાથમાં હોય છે, બાકી સૂત્રધારના હાથમાંથી દોર છૂટો પડ્યો કે તે પતંગ કપાય અને ગટર, વીજળીના તાર કે વૃક્ષો ગમે ત્યાં જગ્યાએ પડે છે. સૂત્રધારના હાથમાંથી ગયેલા કે કપાયેલા પતંગનો રંગ ફીકો પડી જાય છે. તેમ જીવનમાં પણ દરેક માણસે પોતાના સૂત્રધાર ભગવાન રાખવા જોઈએ અને પોતાના જીવનનો દોર પ્રભુના હાથમાં આપવો જોઈએ, જેથી આપણને કોઈપણ પ્રકારનો અહંકાર અને અભિમાન જેવા રંગો લાગી ન જાય.
ટૂંકમાં, આ ઉત્સવથી માણસના જીવનમાં ઉત્સાહ આવે છે, આળસ ખંખેરી માણસ કામે લાગી જાય છે. તેમજ સૂર્યનો પ્રકાશ, તલ ગોળના લાડુની મીઠાશ અને પતંગનો તેના સુત્રધાર એટલે કે ભગવાન પરનો વિશ્વાસ આપણા જીવનમાં આવે તો જ ખરા અર્થમાં મકરસંક્રાંતિ ઉજવી ગણાય.