ચોમાસાની સિઝનમાં રોડ-રસ્તા પર ભુવા, ભેજના કારણે ભેખડ ઘસવી, મકાન- દિવાલ ધરાશાયી થવાની ઘટના બનતી હોય છે. પણ હાલ વગર ચોમાસે રાજકોટમાં મોટી દુર્ઘટના ઘટી છે. શહેરના યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટમાં સ્થિત ધનરજની બિલ્ડિંગના પહેલાં માળનો રવેશ ધરાશાયી થતા સેંકડો લોકો ફસાયા છે. અનેક વાહનો કાટમાળ હેઠળ દબાયા છે.
વાહનો ઉપરાંત દુકાન તેમજ તેમાં રહેલી માલમિલકત અને સમાનને મોટું નુકસાન થયું છે. જો કે કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી. સાતથી વધુ વાહનોનો કડુસલો બોલી ગયો છે. દુકાનનો સ્લેબ તૂટતા આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ વ્યાપી ગયો હતો. કાટમાળના પગલે હાલ પૂરતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.
સ્થાનિકો દ્વારા કાચ તોડી દટાયેલા લોકોનું રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કર્મચારી તેમજ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ઘણા દુકાનદારોને નાની-મોટી ઇજા પહોંચી છે.
ઘટનાના સાક્ષી લોકોએ કહ્યું કે અમે દુકાનની અંદર હતા અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે દોડીને બહાર નીકળ્યા. જોયું ત્યાં આંખો ઉપલો માળ નીચે પડી ગયો હતો. આ દુર્ઘટનામાં અંદાજે 10થી 15 જેટલા દુકાનદારોને નુકસાન થયું છે. જો કે કોઈ જાનમાલને નુકસાન થયું નથી.