- શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેકટર ટ્રોલી તળાવમાં ખાબકતા સમગ્ર વિસ્તાર મરણચીસોથી ગુંજી ઉઠ્યો
યુપીના કાસગંજ જિલ્લામાં શનિવારે એક મોટો અકસ્માત સર્જાયો હતો. જ્યાં ભક્તોથી ભરેલું ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં ખાબક્યું હતું. દુર્ઘટનામાં સાત માસૂમ બાળકો અને આઠ મહિલાઓ સહિત 20ના મોત નીપજ્યાના અહેવાલ મળી રહ્યા છે. નિર્દોષ શ્રદ્ધાળુઓની મરણચીસોથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે. સવારે લગભગ 10 વાગ્યે ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી બેકાબૂ થઇ જતાં પટિયાલી-દરિયાવગંજ રોડ પર તળાવમાં ખાબક્યું હતું. તળાવમાં ખાબક્યા બાદ ટ્રેક્ટર ટ્રોલી પલટી મારી ગઈ હતી. જેમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ જળ સમાધિ પામ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 20થી વધુ લોકોના મોત થયા છે.
મૃતકોમાં આઠ મહિલાઓ અને સાત બાળકોનો સમાવેશ થાય છે. ઘણા ગંભીર રીતે ઘાયલ ભક્તોની જિલ્લા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને કેટલાકને રેફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળથી લઈને જિલ્લા હોસ્પિટલ સુધી અરાજકતાનો માહોલ છે. ડીએમ, એસપી અને અન્ય વહીવટી અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં છે. રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે. મૃતકોનો પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
મૃતકોમાં એક પરિવારના અનેક લોકો સામેલ છે. વહીવટીતંત્ર દ્વારા અત્યાર સુધીમાં 20 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સીએમઓ ડો. રાજીવ અગ્રવાલે જણાવ્યું કે, પટિયાલીના સીએચસીમાં સાત બાળકો અને આઠ મહિલાઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે વધુ પાંચને મૃત જાહેર કરાયા હતા. એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવેલા અન્ય ઘાયલોની તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુઆંક વધવાની આશંકા છે. સ્થિતિ વધુ ગંભીર છે.