લલિત મોદીની કમાલ ?
આઈપીએલ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમની જર્સી ઉપર વર્લ્ડ દુબઈ એકસ્પો-૨૦૨૦નો લાગશે લોગો
આઈપીએલમાં ઘણી ખરી ફ્રેન્ચાઈઝી ટીમ રમી રહી છે તેમાં પણ જયારે રાજસ્થાન રોયલ્સ ટીમ વિશે વાત કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સ ટીમનાં સંસ્થાપક લલિત મોદીનું નામ કેવી રીતે ભુલી શકાય. લલિત મોદી એક એવું વ્યકિતત્વ કે જેને વિશ્ર્વ આખામાં તેનો વ્યાપારનો વ્યાપ વધાર્યો હોય. લલિત મોદી અને અંબાણી ગ્રુપની સરખામણી કરવામાં આવે તો કયાંય અંશે મોદી ગ્રુપ રિલાયન્સ કરતા આગળ નિકળી જાય છે પરંતુ લલિત મોદી રાજકિય રીતે નબળા પડતાની સાથે જ તેઓને દેશવટો આપવામાં આવ્યો હતો પરંતુ હજુ પણ રાજસ્થાન રોયલ્સની ટીમ તેના નેજા હેઠળ જ રમી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવનારા ઓકટોબર માસમાં શરૂ થનાર વિશ્ર્વનો સૌથી મોટો એકસ્પો કે જે દુબઈ ખાતે આયોજીત થવાનો છે તેમાં રાજસ્થાન રોયલ્સની ટીમ દુબઈ એકસ્પો માટેની મુખ્ય સ્પોન્સર ટીમ બની છે.
આગામી આઈપીએલ સિઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમની જર્સી ઉપર જે.કે.લક્ષ્મી સિમેન્ટ નહીં પરંતુ હવે દુબઈ એકસ્પો-૨૦૨૦નો લોગો લાગશે ત્યારે સિમેન્ટ બ્રાન્ડ જે.કે.લક્ષ્મી સિમેન્ટે સનરાઈઝર્સ હૈદરાબાદ સાથે ટાઈઅપ કર્યું છે. રાજસ્થાન રોયલ્સનાં એકઝીકયુટીવ ચેરમેન રણજીત બરઠાકુરે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સે દુબઈ-૨૦૨૦ એકસ્પો માટે જે કરાર કર્યો છે તે ભુતો ન ભવિષ્યતિ જેવું કાર્ય કરવામાં આવ્યું છે. વર્લ્ડ એકસ્પોમાં ઘણી ખરી ઈવેન્ટોને સ્થાન આપવામાં આવતા વર્લ્ડ એકસ્પો અત્યંત રોમાંચકભર્યો બની રહેશે તેમાં નવાઈ નહીં. દુબઈ ખાતે આયોજીત થનાર દુબઈ એકસ્પો-૨૦૨૦ ૨૦ ઓકટોબર ૨૦૨૦થી લઈ ૧૦ એપ્રિલ ૨૦૨૧ સુધી ચાલશે. મિડલીસ્ટ, આફ્રિકા અને સાઉથ એશિયન વિસ્તારોમાં ૧૬૯ વર્ષ બાદ આ પ્રથમ સૌથી મોટો એકસ્પો વૈશ્ર્વિક સ્તર પર થવા જઈ રહ્યો છે જેનાથી લોકો ઘણાખરા આનંદિત અને ઉત્સાહી હોય તેવું લાગે છે.
૧૭૩ દિવસ ચાલનાર આ એકસ્પોમાં સમગ્ર વિશ્ર્વમાંથી ૨૫ મિલિયન લોકો મુલાકાત લેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ત્યારે આ એકસ્પોમાં કુલ ૧૯૨ દેશો ભાગ લઈ રહ્યા હોય તેવું લાગે છે. રાજસ્થાન રોયલ્સનાં સ્ટાર ખેલાડી વિશે જો વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના સ્ટિવ સ્મિથ, ઈંગ્લેન્ડ બેન સ્ટોકસ અને ભારતીય ટીમના જયદેવ ઉનડકટનો સમાવેશ થાય છે. દુબઈ એકસ્પો-૨૦૨૦ આંતરરાષ્ટ્રીય કોલોબ્રેશન અને માનવની તાકાત અંગે ઘણા ખરા પ્રદર્શનો કરવામાં આવશે જે અત્યંત ઉપયોગી સાબિત થયા હોય અને વિશ્ર્વને કંઈક ભેટ આપી હોય. ભારતીય કંપનીની ક્રિકેટ ફ્રેન્ચાઈઝી કે એકસ્પોમાં સ્પોન્સર તરીકે જોડાઈ છે તેનાથી ભારતમાં ઘણી ખરી જાગૃતતા કેળવાશે અને કંપનીને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘણાખરા લાભો પણ મળશે.