મીઠી મધુરી ખારેકનું ૩ હેકટરમાં વાવેતર કરી વર્ષે અંદાજે ૧૦ થી ૧૨ લાખની આવક મેળવતા મહેશભાઈ સોલંકી
ગુજરાતનાં અન્ય જિલ્લાઓની સરખામણીએ સુકા પ્રદેશ તરીકે ઓળખાતા સુરેન્દ્રનગર જિલ્લના ખેડુતો માટે નર્મદા એ આર્શીવાદ રૂપ બની છે. જેને કારણે નપાણીયો ગણાતો આ મલકવે પાણીદાર બન્યો છે. અહીના ખેડુતો જે અત્યાર સૂધી આકાશી ખેતી ઉપર જ નિર્ભર હતા, તે હવે નર્મદાના પારસ જેવા નીરના કારણે ઓછી મહેનતે વધુ સારૂ ઉત્પાદન મેળવી આર્થિક રીતે સક્ષમ બન્યા છે. નર્મદાના નીર મળતા આ ધરતી પુત્રો હવે ચીલાચાલુ ખેતીના બદલે બાગાયતી ખેતી અપનાવી મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.
આવાજ એક ખેડુત મહેશભાઈએ બજારમા મળતા રાસાયણીક ખાતરોની ઉપજો થકી ઉત્પાદીત થયેલ કૃષિ ઉત્પાદનો જોયા તેમને થયું કે, લોકોના આરોગ્યને નુકશાન કરે તેવા કૃષિ ઉત્પાદનો દિન પ્રતિદિન વધી રહ્યા છે. તેવા સમયે ઓર્ગેનિક ઉત્પાદન થકી લોકોને વધુ સારૂ કૃષિ ઉત્પાદન આપવું જોઈએ તેમનાવિચાર બીજમાંથી જન્મ થયો ઓર્ગેનિક પધ્ધતિની ટીસ્યુ કલ્ચર ખારેકના ઉત્પાદનનો.
મહેશભાઈએ ધ્રાંગધ્રામાં આવેલી તેમની સહિયારી માલીકીની ૪૫ એકર જમીન પૈકી ૩ હેકટર જમીનમાં શરૂ કર્યો ઓર્ગેનિક ખારેકના ઉત્પાદનનો યજ્ઞ આ માટે ૨૦૧૫ના વર્ષમાં તેમણે ઈઝરાયલથી એક ચોડના રૂપીયા ૩૬૫૦ના ભાવે ૪૦૦ જેટલા છોડ મંગાવી તેમની જમીનમાં રોપ્યા તે વખતે તેમને ટીસ્યુ કલ્ચર ખારેકના વાવેતર પાછળ અંદાજીત નવેક લાખ રૂપીયાનો ખર્ચ થયો હતો.
મહેશભાઈ કહે છેકે, તે વખતે મને બાગાયત વિભાગના અધિકારીઓનું સતત માર્ગદર્શન મળતું રહ્યું સાથોસાથ બાગાયત વિભાગની યોજનાનો લાભ પણ મને મળ્યો જેના કારણે મને આર્થિક ફાયદો થયો ઓર્ગેનિક ઉત્પાદન માટે મને જરૂર હતી ગૌમુત્ર અને છાણની આ માટે મે શરૂઆતમાં બે ગાયલીધી અને ત્યારબાદ ક્રમશ: તેમાં વધારો થતા હાલમાં મારી પાસે નાની મોટી થઈ ૧૪ જેટલી ગાયો છે જેના ગોબરનાં ઉપયોગ થકી હું સજીવ ખેતી દ્વારા ખારેકનું મબલખ ઉત્પાદન મેળવી રહ્યો છું.
ખારેકના વાવેતર બાદ ત્રીજા વર્ષે તેમાં ઉત્પાદન ચાલુ થાય છે. મારૂ ઉત્પાદન ઓર્ગેનિક હોવાથી શરૂઆતમાં તેની પાછળ થોડો ખર્ચ થયો. પરંતુ ઉત્પાદન શરૂ થયા બાદ પ્રથમ વર્ષે એટલે કે, ૨૦૧૮ના વર્ષમાં ખર્ચ કાઢતા મને રૂ.૬ થી ૭ લાખનો ફાયદો થયો છે. આ વર્ષે મને રૂ. ૧૦ થી ૧૨ લાખની આવક થવાનો અંદાજ છે. અત્યારે તો હું ખારેક મુંબઈ, અમદાવાદ, રાજકોટ જેવા મેટ્રો સીટીમાં વેચી રહ્યો છું પરંતુ આગામી વર્ષોમાં પારેક્ધું વેલ્યુએડીશન કરી જેને એકસપોર્ટ કરવાની ઈચ્છા છે.
મહત્વનું છે કે ગુજરાતનાં ખેડુતોની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોનો પણ બાગાયતી પાકો તરફનો ઝૂકાવ વધ્યો છે. રાજય સરકારની ફળ ઝાડ વાવેતર, શાકભાજી વાવેતર જેવી વિવિધ યોજનાઓનો લાભ લઈ ખેડુતો ચીલાચાલુ ખેતી છોડી બાગાયતી ખેતી તરફ
વળ્યા છે. રાજય સરકારની કટીબધ્ધતા, બાગાયત વિભાગના અધિકારીઓની કાર્યનિષ્ઠા અને ખેડુતોની બાગાયત પાકોનાં વાવેતરની પ્રતિબધ્ધતાનું ખૂબજ સારૂ પરિણામ આજે ઝાલાવાડની ધરા ઉપર જોવા મળી રહ્યું છે. આજે અહીના ખેડુતોને પિયત માટે નર્મદાના નીર અને સરકારની કૃષિ સમૃધ્ધિ માટેની યોજનાઓનો લાભ મળતા ઝાલાવાડની ખેતી અને ખેડુત સમૃધ્ધિની દિશામાં મકકમતા સાથે આગળ વધી રહ્યા છે.