આચારસંહિતા પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં મહેસુલ વિભાગમાં બદલી અને બઢતીના ઘાણવા ઉતરશે: પ્રોબેશન પીરીયડમાં રહેલા જીએએસ અને આઈએએસ અધિકારીઓને બદલી સાથે બઢતી અપાશે
ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં મહેસુલ વિભાગમાં ધરખમ ફેરફાર થવાના હોવાનું જાણવા મળ્યું છે. કુલ ૩૨ મામલતદાર નિવૃત થઈ રહ્યાં છે. ઉપરાંત ૫૮ પ્રોબેશન પીરીયડમાં રહેલા મામલતદારોને ડેપ્યુટી કલેકટરનો હોદ્દો આપવામાં આવનાર છે. અંદાજીત ૯૫થી પર વધુ નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન મળવાના છે. આ સાથે આઈએએસ અધિકારીઓની બદલીનો ઘાણવો પણ ઉતરવાનો હોવાનું જાણવા મળ્યું છે.
મહેસુલ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર મહેસુલ વિભાગમાં ૫૭૪ મામલતદારોની જગ્યાઓ છે. જેમાં ૪૩૦ મામલતદારની જગ્યાઓ હાલ ભરેલી છે. તેમાંથી પણ જૂન મહિનામાં ૩૨ મામલતદારો નિવૃત થવાના છે. આ ઉપરાંત જીપીએસસીની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા નાયબ કલેકટર કક્ષાના ૫૮ અધિકારીઓ હાલ અજમાયશી ધોરણે અઠવાડિયા માટે મામલતદાર તરીકે કાર્યરત છે. એ સમયગાળો પણ જૂનમાં પૂર્ણ થતો હોવાથી આ તમામ ૫૮ અધિકારીઓને નાયબ કલેકટર તરીકે જે તે સ્થળોએ પોસ્ટીંગ આપવામાં આવનાર છે. આ ઉપરાંત ૯૫ જેટલા નાયબ મામલતદારો પ્રમોશનને પાત્ર બન્યા છે. જેથી તેઓને પણ જૂન મહિનામાં આચારસંહિતા પૂર્ણ થયે મામલતદાર તરીકે બઢતી મળવાની છે.
આ સાથે અધિક કલેકટર તરીકે બઢતી મળી ગઈ હોવા છતાં પણ નાયબ કલેકટર કક્ષાએ ફરજ બજાવતા હોય તેવા ૧૬ અધિકારીઓને જૂન મહિનામાં અધિક કલેકટર કક્ષાએ મુકવામાં આવનાર છે. ઉપરાંત ૮ જેટલા આઈએએસ કેડરના જૂનીયર અધિકારીઓ હાલ નાયબ કલેકટર કક્ષાએ ફરજ બજાવી રહ્યાં છે તેઓને ડીડીઓ કક્ષાએ બઢતી મળવાની છે. આમ પ્રોબેશન પીરીયડમાં રહેલા મામલતદારોને ડેપ્યુટી કલેકટરનો હોદ્દો તેમજ ડેપ્યુટી કલેકટર તરીકે તાલીમ મેળવી રહેલા જુનીયર આઈએએસ અધિકારીઓને ડીડીઓ કક્ષાનો ચાર્જ સોંપવામાં આવતા અનેક જગ્યાઓ ખાલી પણ થશે. આ જગ્યાઓમાંથી અનેક જગ્યાઓ બઢતી આપી ભરવામાં પણ આવનાર હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત સૂત્રોના જણાવ્યા મુજબ આચારસંહિતા પૂર્ણ થયા બાદ આઈએએસ અધિકારીની બદલીનો ઘાણવો ઉતરવાનો છે. આમ મહેસુલ વિભાગમાં આચારસંહિતા પૂર્ણ થયા બાદ જૂન મહિનામાં ધરખમ ફેરફાર આવવાના છે.