- કોર્પોરેશનમાં પણ ફેરફારની સંભાવના: ધારી લીડ નીકળશે તો તમામને મળશે જીવતદાન
- લોકસભાની ચુંટણીનું પરિણામ આવ્યા બાદ આવતા મહિને રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવે તેવા એંધાણો મળી રહ્યા છે. કોર્પોરેશનમાં પણ અમૂક ફેરફાર થવાની સંભાવના નકારી શકાતી નથી. જો ધારી લીડ નીકળશે તો તમામને જીવનદાન મળી રહેશે.
ભાજપ માટે એક આદર્શ સંગઠન માળખું ગણાતું રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સંગઠનને લઇને સતત વિવાદો ચાલી રહ્યા છે. ગત જૂન માસમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે બિનવિવાદી એવા મુકેશભાઇ દોશીની વરણી કરવામાં આવી હતી. હાલ સંગઠન માળખું ખભ્ભે-ખભ્ભા મિલાવીને ચોક્કસ કામ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અંદરખાને ભારે વિવાદ ચાલી રહ્યો છે. સાઇડ લાઇન થઇ ગયેલા અમૂક નેતાઓ નવી બોડીને કામ કરવા દેતી નથી. તેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે. રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપે આયાતી ઉમેદવાર ગણાતા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને ટિકિટ આપી ત્યારથી નારાજગી થોડી વધી જવા પામી છે. કોઇ ખૂલ્લીને બોલવા તૈયાર નથી. પરંતુ અંદરખાને તમામના હૈયા સળગી રહ્યા છે. બીજી તરફ ક્ષત્રિય સમાજના આંદોલનને ખાળવામાં સંગઠન માળખું થોડું કાચું પડ્યું હતું. જેના કારણે વાત પ્રદેશ કક્ષાએ પહોંચી ગઇ હતી. પ્રદેશ સુધી વાત પહોંચી ત્યાં ખૂબ મોડું થઇ ગયું હતું અને આંદોલન સમેટાઇ તેવી તમામ શક્યતાઓ પર પૂર્ણ વિરામ મુકાઇ ગયું હતું. રાષ્ટ્રીય કક્ષાએ પણ આ આંદોલનની અસર જોવા મળી હતી. ગુજરાતની તમામ બેઠકો પાંચ લાખ કે તેથી વધુ લીડ જીતવાનો લક્ષ્યાંક ભાજપ દ્વારા રાખવામાં આવ્યો હતો. પરંતુ જે રિતે રાજકોટથી વિવાદ શરૂ થયો અને તેને રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેને કારણે હવે લીડ કરતા જીત મહત્વપૂર્ણ બની ગઇ છે. છેલ્લા ઘણા સમયથી શહેર ભાજપના સંગઠનને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. પ્રમુખ સહિતના મહત્વપૂર્ણ હોદ્ેદારોની સંગઠન પર પકડ ન હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોર્પોરેશનમાં પણ બે નગરસેવિકાઓના પતિ દેવોએ આચરેલા આવાસ કૌભાંડના કારણે પક્ષની આબરૂંનું ધોવાણ થયું છે. આ બંને નગરસેવિકાઓના પતિ દેવ અને નગરસેવિકાઓને પક્ષમાંથી હાંકી કાઢી થીંગડું મારવાના પ્રયાસો ચોક્કસ કરવામાં આવ્યા હતા. પરંતુ તેનાથી વિવાદ શાંત પડ્યો ન હતો. શહેર ભાજપના સંગઠન માળખાની માફક કોર્પોરેશનમાં પણ પદાધિકારીઓની વહિવટી પકડ થોડી ઢીલી થઇ ગઇ છે. પાંચ પૈકી એક જ પદાધિકારી સર્વેસર્વા બની વહિવટ ચલાવી રહ્યા હોય તેવા નારાજગીના સૂર વહી રહ્યા છે.
જો ચૂંટણી સમયે મોટા ફેરફાર કરવામાં આવે તો તેની અસર મતદાનમાં થાય અને પક્ષને નુકશાની વેઠવી પડે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી હાલ હાઇકમાન્ડ દ્વારા તમાશો નિહાળવામાં આવી રહ્યો છે. ચાર જૂનની રાહ જોવામાં આવી રહી છે.
લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થતાંની સાથે જ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન માળખામાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે. તેમાં શંકાને કોઇ સ્થાન નથી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખની મુદ્ત પૂર્ણ થવાના આડે હજુ બે વર્ષનો લાંબો સમય બાકી છે. પરંતુ ચૂંટણી પરિણામ બાદ સંગઠન માળખામાં ફેરફારની શક્યતાને નકારી શકાતી નથી. પ્રમુખને યથાવત રાખવામાં આવે અને સંગઠન માળખામાં ફેરફાર કરાય તેવી શક્યતા પણ દેખાઇ રહી છે. સંગઠન અને કોર્પોરેશનમાં મોટા ફેરફાર થવાની ચર્ચા હાલ ભાજપના કાર્યકરોમાં પણ થવા લાગી છે. આમ પણ જૂન મહિનો શહેર ભાજપ માટે થોડો કડક રહે છે. હવે જોવાનું એ રહે છે કે ચૂંટણી પરિણામ બાદ હાઇકમાન્ડ કેટલા મોટા નિર્ણયો લે છે. લોકસભાની ગત ચૂંટણીમાં મોહનભાઇ કુંડારિયા 3.68 લાખની રેકોર્ડબ્રેક લીડ સાથે વિજેતા બન્યા હતા. જો આ વખતે પરષોત્તમભાઇ રૂપાલાની લીડમાં ઘટાડો થશે તો સંગઠન માળખામાં મોટા ફેરફારો ફાઇનલ માનવામાં આવી રહ્યા છે. જો લીડ જળવાઇ રહેશે અથવા વધશે તો હાલ જે નેતાઓ પર જોખમ છે. તેઓને જીવતદાન મળી રહેશે. આવતા વર્ષે ડિસેમ્બરમાં કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી યોજાવાની છે. જેને ધ્યાનમાં રાખી તમામ નિર્ણયો પક્ષ દ્વારા લેવામાં આવશે. હાલની પરિસ્થિતિ જો અને તોના સમિકરણો વચ્ચે રમી રહી છે.