- પોરબંદરમાં મોટી દુર્ઘટના
- પોરબંદર દરિયામાં ઇન્ડિયન નેવીનું ડ્રોન ક્રેશ
- દ્રષ્ટિ 10 સ્ટારલાઈન ડ્રોન ગત મોડી સાંજે થયું ક્રેશ: સૂત્ર
- ડ્રોન ક્રેશ થવાની ઘટનાથી સુરક્ષા એજન્સીઓ થઈ દોડતી
ખાનગી કંપની દ્વારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ ડ્રોન
Drishti 10 Starliner ડ્રોન તાજેતરમાં જ એક ખાનગી કંપની દ્વારા સમુદ્રી સુરક્ષા માટે બનાવવામાં આવ્યું હતુ, જેણે ગત સાંજે સમુદ્રી સુરક્ષા માટે ઉડાન ભરી હતી. કોઈ ટેક્નિકલ ખામીના કારણે આ ડ્રોન ક્રેશ થયુ હોય તેવુ હાલમાં લાગી રહ્યું છે. ગઈકાલ અને આજના બે દિવસીય પોરબંદર પ્રવાસે આવેલા રાજ્યપાલની પોરબંદરમાં ઉપસ્થિતિ દરમિયાન આ ઘટના બની છે. Drishti 10 Starliner Drone ના ક્રેશ થવાના સમાચારથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ છે.
દ્રષ્ટિ 10 સ્ટારલાઇનર ટેસ્ટિંગ દરમિયાન ક્રેશ
ડ્રોન 10 સ્ટારલાઇનર એ ઇઝરાયેલી સંરક્ષણ કંપની એલ્બિટ સિસ્ટમ્સ સાથે સહયોગથી વિકસાવવામાં આવ્યો છે. આ ડ્રોન 70% સ્વદેશી છે અને તે 36 કલાક સુધી ઉડવાની ક્ષમતા ધરાવે છે. 450 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરવામાં સક્ષમ આ ડ્રોન દેખરેખ અને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ભારતીય નૌકાદળે પહેલાથી જ દ્રષ્ટિ 10 ને તેના કાફલામાં સામેલ કરી દીધું છે અને આ ડ્રોન સેના અને નૌકાદળની ગુપ્ત માહિતી, દેખરેખ અને જાસૂસી ક્ષમતાઓને વધારવાના ઉદ્દેશ્યથી ખરીદવામાં આવ્યું હતું. દરેક દ્રષ્ટિ 10 ડ્રોનની કિંમત લગભગ 145 કરોડ રૂપિયા છે.
દુર્ઘટના બાદ ડ્રોન મળી આવ્યું છે અને આ ઘટનાની તપાસ ચાલી રહી છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ભારતીય નૌકાદળ તેની દરિયાઇ સુરક્ષા અંગે મહત્ત્વપૂર્ણ પગલાં લઇ રહ્યું છે. ચાર મહિના પહેલા એક MQ-9B સીગાર્ડિયન ડ્રોન પણ બંગાળની ખાડીમાં ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયું હતું.
પરીક્ષણ દરમિયાન ડ્રોન સમુદ્રમાં ક્રેશ
પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદરમાં ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન દ્રષ્ટિ-10 ડ્રોન ક્રેશ થયું હતું. ઓપરેશનલ પરીક્ષણ દરમિયાન હવામાં જ ડ્રોન પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને આથી સમુદ્રમાં ક્રેશ થયું હતું.
જો કે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના અહેવાલો નહીં. હાલ આ ઘટનાની તપાસ ચાલી રહી છે. એકતરફ ભારતીય સંરક્ષણ મંત્રાલય મેક ઇન ઇન્ડિયા પહેલ હેઠળ સ્થાનિક ડ્રોન ઉત્પાદનને પ્રોત્સાહન આપી રહ્યું છે, ત્યારે ભારતીય બનાવટનું ડ્રોન પરીક્ષણમાં જ ક્રેશ થઈ ગયું છે.
દ્રષ્ટિ-10 માનવરહિત ડ્રોન
દ્રષ્ટિ-10 જેવા માનવરહિત ડ્રોનનો ઉપયોગ સામાન્ય રીતે મેરીટાઇમ સર્વેલન્સ માટે થાય છે. તે રિકોનિસન્સ માટે પણ ઉપયોગમાં લેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. પરીક્ષણ દરમિયાન, UAV એ હવામાં નિયંત્રણ ગુમાવી દેતા અને સમુદ્રમાં ખાબક્યું છે. આ ડ્રોન અકસ્માતમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો નથી.
ભારતીય નૌકાદળ ટૂંક સમયમાં તેના કાફલામાં બે યુદ્ધ જહાજો અને એક સબમરીન ઉમેરવા જઈ રહ્યું છે. આમાં છેલ્લી કલવરી-ક્લાસ સબમરીન ‘વાઘશીર’, વિનાશક ‘સુરત’ અને ફ્રિગેટ ‘નીલગિરી’નો સમાવેશ થાય છે. આનું નિર્માણ માઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. નૌકાદળે તેની જાસૂસી ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે યુએસ પાસેથી 31 MQ-9B ડ્રોન ખરીદવા માટે પણ એક સોદો કર્યો છે, જેનો મુખ્ય હેતુ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીનની વધતી જતી પ્રવૃત્તિઓ પર નજર રાખવાનો છે.