- મુસાફરોનું રેસ્ક્યુ ઓપરેશન કરી હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી ચાલુ : ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયાં
મધ્યપ્રદેશના ખરગોનમાં એક મોટો અકસ્માત થયો છે. દાસંગામાં પુલ પરથી બસ નીચે પડી હતી. બસમાં લગભગ 70-80 મુસાફરો હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થળ પર અરાજકતાનો માહોલ છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. તે જ સમયે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.
સ્થળ પર મુસાફરોનો હોબાળો જોવા મળી રહ્યો છે. બસને ભારે નુકસાન થયું છે. અકસ્માતમાં ઘાયલ લોકો મદદ માટે આજીજી કરતા જોવા મળ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ ટેમલા રોડ થઈને જઈ રહી હતી. સાથે જ ઘટનાસ્થળે લોકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. સ્થળ પર હાજર લોકો જાતે જ લોકોને બસમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે.
બસમાં કેટલા લોકો સવાર હતા તે સ્પષ્ટ નથી. જોકે, બસમાં 70-80 લોકો મુસાફરી કરી રહ્યા હોવાનો અંદાજ છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરગોનના ધારાસભ્ય રવિ જોશીએ સમગ્ર ઘટનાની માહિતી લીધી છે. તેમણે કામદારોને તાત્કાલિક રાહત અને મદદ પૂરી પાડવા સૂચના આપી છે. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી રહ્યા છે.
આ અકસ્માત કઇ રીતે થયો તેના કારણો અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટ માહિતી મળી નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ મુસાફરો હતા. બસ કેવી રીતે બેકાબૂ બની તે અંગે ડ્રાઇવર પાસેથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. મીડિયા રીપોર્ટ મુજબ કેટલાક 15 લોકોના મોત થયા છે. જો કે મૃત્યુઆંક વધી શકે છે. તેમજ 25થી વધુ લોકો ઘાયલ હોવાની જાણકારી મળી રહી છે.