પરિવારજનોનો ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઈન્કાર
કોળી આગેવાનો હોસ્પિટલે દોડી ગયા પોલીસના સમજાવવાના પ્રયાસો
મહુવાની સગર્ભાનું ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તબીબોની બેદરકારીથી મોત થયાનું જણાવી પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો હતો. ઘટનાને પગલે કોળી સમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ હોસ્પિટલે દોડી ગયો હતો.
જાણવા મળતી વિગતો અનુસાર મહુવા તાલુકાના માળવા ગામમાં રહેતા ૨૮ વર્ષીય ગર્ભવતિ મહિલા મીરાબહેન તારીખ ૧૨ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે મહુવા તાલુકાના આશા વર્કરો આવી તમારો કોરોના ટેસ્ટ કરવાનો છે તેવું કહેતા ચેકઅપ માટે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.
મીરાબહેને સાથે આવવાનો ઈનકાર કરેલ. છતાં પણ તેમને જબરજસ્તીથી ચેકઅપ માટે લઈ જવામાં આવેલ ત્યારબાદ ચેક ઉપ પછી અડધા રસ્તામાં મૂકી દેવામાં આવેલા અને તેઓએ પોતાના પરિવારનો સંપર્ક કરેલ. મીરાબેન ની તબિયત લથડતા મહુવાના હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્યાં ડોક્ટરોએ બાળકને મૃત જાહેર કરેલ. ત્યારબાદ તારીખ ૧૮ ના રોજ મીરા બેન ની તબિયત વધારે બગડતા તેઓને ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેઓ પણ મૃત્યુ પામ્યા હતા. આ બનાવથી તેમના પરીવારજનોમાં રોષ જોવા મળ્યો હતો. ડોક્ટરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો તેવા આક્ષેપો સાથે પરિવારજનોએ મીરાબહેન નો મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી.
આ બનાવની જાણ થતાં ભાવનગર વિર માંધાતા ના અધ્યક્ષ શ્રી રાજુભાઇ સોલંકી તેમજ મુન્નાભાઈ ચોગઠ તેમજ સંગઠનના અન્ય સભ્યો તાત્કાલિક ધોરણે દોડી ગયા હતા. કોળી સમાજના શ્રી રાજુભાઇ સોલંકી એ ભાવનગર શહેરના પોલીસ એસપી સાહેબ તેમજ ડીવાયએસપી સાથે ફોનમાં વાતચીત કરી અને પરિવારજનોને ન્યાય અપાવવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે અને આવી ઘોર બેદરકારીને ચલાવી લેવાશે નહીં તેમ જણાવ્યું પરિવારને ન્યાય મળશે પછી જ ડેથ બોડી સ્વીકારવામાં આવશે તેવું જણાવ્યું. સમગ્ર મામલાની જાણ થતા ભાવનગર શહેરના એ ડિવિઝન વિસ્તારના પીઆઇ ચૌધરી સાહેબ તેમજ અન્ય પોલીસ કાફલો સર ટી હોસ્પિટલ પહોંચ્યો હતો મીરાબેન ના પરિવારને ચોક્કસ ન્યાય મળશે તેવી બાંહેધરી પણ આપી હતી છતાં પણ મીરાબેન ના પરિવારે ડેડ બોડી સ્વીકારવાનો ઈન્કાર કર્યો અને ન્યાય મળશે પછી ડેડ બોડી સ્વીકારવામાં આવશે તેવુ જણાવ્યું હતું.