ધર્મેશ મહેતા, મહુવા:
આગામી વર્ષ 2022માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભામાં જંગ જીતવા કાર્યકર્તાથી માંડી દિગ્ગજ નેતાઓ મેદાને ઉતાર્યા છે. ત્યારે ભાવનગરના મહુવા શહેરમાં કોંગ્રેસમાં કકળાટ સામે આવ્યો છે. વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ મહુવા શહેર કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું છે. આશરે ૫૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
મહુવા શહેરના ક્રિષ્ના કમ્યૂનિટી હોલ ખાતે ખરીદ-વેચાણ સંઘના એક કાર્યક્રમમાં ૫૦૦ જેટલા કોંગ્રેસી કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા છે. રાજ્યમંત્રી આર.સી. મકવાણાની ઉપસ્થિતીમાં હાલનાં ખરીદ-વેચાણ સંઘના પ્રમુખ જીલુભાઈ ભૂંકણ સહિતના ૫૦૦ જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે.
૯૫/વિધાનસભા બેઠક એટલે મહુવા બેઠક અને આગામી દિવસોમાં મહુવા માર્કેટિંગ યાર્ડની પણ ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ચૂકી છે. જેમાં તોડજોડની રાજનીતિ પણ જોવા મળી રહી છે. રાજયમંત્રી આર.સી.મકવાણાએ કોંગ્રેસના ૫૦૦ જેટલા કાર્યકરોને ખેસ પહેરાવીને આવકાર્યા હતાં. આ તકે સાંસદ નારણભાઇ કાછડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ,પ્રદેશ ભાજપ મહામંત્રી, ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.